ચોમાસુ:ભાવનગર અને ખાંભામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું વરસ્યું, ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા

ભાવનગર2 વર્ષ પહેલા
ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો - Divya Bhaskar
ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો
  • 4 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોની મુશ્કેલી વધી

ભાવનગરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ચડી આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. બીજી તરફ ખાંભામાં પણ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો.

ખેતરમાં ઉભા પાકને તડકાની જરૂરી છે
ભાવનગર પંથકમાં પડેલા વરસાદી ઝાપટાના પગલે ખેતરમાં ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. 4 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાકને હવે તડકાની જરૂરી છે. પરંતુ તડકાના બદલે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે. જેથી પાકને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા છે.

શેત્રુંજી ડેમના 25 દરવાજા ખોલવામાં આવ્યાં
ભાવનગર અને ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. જેથી શેત્રુંજી ડેમના 25 દરવાજા 1.1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યાં છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોને અલર્ટ આપવામાં આવ્યું છે.

ખાંભામાં વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં
ખાંભામાં વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં

ખાંભામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો
ખાંભા પંથકમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. થોડીવારમાં તો રસ્તા પરથી પાણી વહેતા થઈ ગયા હતા. ખાંભાના ખડાધાર, તતાણીયા, રાયજી, બોરળા અને નાનુડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો.

(ભરત વ્યાસ-ભાવનગર, હિરેન્દ્રસિંહ રાઠોડ-ખાંભા)