પરંપરા:આજે મંત્ર-તંત્રની સાધનાનું પર્વ કાળી ચૌદશ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પનોતી હોય તેને આજે હનુમાનજી મહારાજ અને ઘંટાકર્ણ ભગવાનની સાધનાથી મળશે સર્વશ્રેષ્ઠ ફળ
  • રાત્રિ દરમિયાન ઉગ્ર દેવોની આરાધના કરવી વધુ સિદ્ધપ્રદ

દીપોત્સવીના પર્વની ઉજવણીમાં તા.23 ઓક્ટોબરને રવિવારે કાળી ચૌદશના પર્વની ઉજવણી થશે. કાળી ચૌદશ, નરક ચતુર્દશી કે રૂપ ચૌદશના નામે ઓળખાતા આ પર્વમાં ઉપાસના, સાધના, હનુમંત પૂજન, યંત્રપૂજન ઉપરાંત મંત્ર-તંત્રની આરાધના તેમજ રાત્રે અઘોર પંથીઓને સાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. રવિવારે કાળી ચૌદશના પર્વની ઉજવણી કરવામાં આવશે. જે પરિવારમાં કાળી ચૌદશના નૈવેદ્ય થતા હોય તેઓને રવિવારે નૈવેદ્ય કરવાના રહેશે.

રવિવારે કાળી ચૌદશના પર્વે શનિદેવની પનોતી ચાલતી હોય એ રાશિવાળાઓએ હનુમાનજી મહારાજની અથવા ઘંટાકર્ણ ભગવાનની ઉપાસના, ભક્તિ, પૂજા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવ્યું છે. હનુમાનજીની મહાપુજા, મહામૃત્યુંજયનાં જાપ તથા જેમને શનિ મહારાજની નાની કે મોટી પનોતિ ચાલતી હોય એમણે “મ હનુમંતાય નમ: અથવા શનિ મંત્રની ઉપાસના કરવી.

યથાશક્તિ મંત્ર જાપ કરવા, જન્મકુંડળીમાં શનિ નિર્બળ થયો હોય એમણે હનુમાન ચાલીસાના પાઠ કરવા. જૈન શાસ્ત્ર મુજબ ભગવાન ઘંટાકર્ણ મહાવીરની ઉપાસના પણ ફળદાયી બતાવેલ છે. આજે યંત્ર પૂજન, મશીન પૂજન અને વાહન પૂજન કરવાનો મહિ‌મા છે. લોખંડ એ શનિની ધાતુ છે. તેથી લોખંડ ધાતુ ઉપર શનિ મહારાજનું પ્રભુત્વ છે. બપોરથી રાત્રિ દરમિયાન ઉગ્ર દેવોની આરાધના કરવી સિદ્ધપ્રદ ગણાય છે.

કાળી ચૌદશની રાત્રે કહેવાતા ભૂવા-તાંત્રિકો સ્મશાન ગૃહમાં વિવિધ પ્રકારની મેલી વિદ્યા “ કરશે તેમજ લીંબુ, ચપ્પુ, ત્રિશુળ, કંકુ, ચોખા, લાલ-કાળા-પીળા કપડા વિ. સાધન-સામગ્રી તૈયાર કરી જાત-જાતની વિધિ કરવામાં આવશે. આજે પણ સમાજમાં એક વર્ગ આ વિધિમાં માને છે.

કકળાટ કાઢવાનો દિવસ તરીકે જાણીતુ પર્વ
કાળીચૌદશને મંત્ર, તંત્ર, જાપ તથા ઘરે ઘરે ગૃહિણીઓ વડા બનાવીને કકળાટ કાઢવાના દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. મહાકાળી માતાજીનું પુજન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, કાળી ચૌદશના દિવસે સ્મશાન જાગે છે. વાસ્તવમાં પિતૃઓના સ્મરણનો અને ઋણ મુક્તિનો અવસર છે. આસો વદ ચૌદશ એટલે કાળી ચૌદશના પર્વમાં ઉપાસના, સાધના અને હનુમાનજીની આરાધના વિશેષ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...