વિશેષ:ગોહિલ રાજવીઓના જન્મ દિવસે પ્રજાલક્ષી કાર્યોની ભેટ, મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો આજે જન્મ દિવસ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાજા તખ્તસિંહજી અને ભાવસિંહજીએ વાવ, અનાથ આશ્રમ, શાળા વિ.અર્પણ કરેલા

આવતી કાલ તા.19 મેનો દિવસ એટલે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ દિવસ. ભાવનગર રાજ્યને દેશના દેશી રાજ્યોમાં અત્યંત પ્રગતિશીલ રાજ્યનું સ્થાન તેના પ્રજાકલ્યાણના કાર્યો થકી પ્રાપ્ત થયું હતુ. મારી પ્રજા સુખી થાઓ, રાજ્યના લોકોનું કલ્યાણ થાય અને રાજ્ય પ્રગતિના પંથે આગકૂચ કરતું રહે તે માટે ભાવનગરના ગોહિલવૈશના શાસકો સદાય તત્પર રહેતા. જન્મ દિવસ જેવા ખુશીના પ્રસંગે ભાવનગરના રાજવીઓ માત્ર ઉજવણીને પોતાના પૂરતી મર્યાદિત ન રાખી સમગ્ર પ્રજાને તેમાં સામેલ કરતા તેમજ લોક ઉપયોગી કાર્યોની ભેટ આપતા.

આ પરંપરા મહારાજા તખ્તસિંહજી, મહારાજા ભાવસિંહજી બીજા અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી સુધી ચાલી હતી. 1891ના વર્ષમાં મહારાજા તખ્તસિંહજીએ પોતાના જન્મ દિવસે વાવ, કૂવા અને તળાવો બાંધવા આર્થિક સહાય જાહેર કરી હતી. હજી પણ તેવા જળાશયોએ તેની નોંધ જોવા મળે છે. મહારાજા ભાવસિંહજી બીજાનો જન્મ દિવસ 20 એપ્રિલ હતો અને આ દિવસ લોકોની સ્મૃતિમાં સચવાય રહે તે માટે અનેક લોકકલ્યાણની પ્રવૃત્તિઓ કરતા. આ અંગે માહિતી આપતા ઇતિહાસવિદ પ્રો.ડો.લક્ષ્મણ વાઢેરે જણાવ્યું છે કે 20 એપ્રિલ,1900ના વર્ષે તેઓએ દુષ્કાળનો સમય હોય મદદ કરવા અનેક રાહત કાર્યો શરૂ કરાવ્યા હતા.

અનાથ આશ્રમો ખોલ્યા, સસ્તા અનાજની દુકાનો શરૂ કરાવી અને તે માટે ભાવનગર શહેરમાં રૂ.7000, બોટાદમાં રૂ.1000 અને સિહોરમાં રૂ.1000ની રકમની ફાળવણી કરી હતી. નિરાશ્રિતો માટે કપડા મળે તે માટે રૂ.2570ની મદદ આપેલી, મહુવામાં છાપરીયાળીના શ્રાવક મહાજન દ્વારા ઢોરોને ઘાસ અપાતું હોય તેની જકાત માફ કરી હતી. શહેર અને મહાલોની શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકોની ભેટ આપી હતી. પીલગાર્ડનમાં બાળકો માટે રમત-ગરમ અને મેળો યોજવામાં આવ્યો હતો અને મીઠાઇ વહેંચવામાં આવી હતી. રાજુલા નજીકના બાબરિયાધારમાં નવી શાળા ખોલવામાં આવી હતી.

શામળદાસ કોલેજમાં ખેડૂત વર્ગના વિદ્યાર્થીને ભણવા માટે આર્થિક સહાય અપાઇ, અનેક શિષ્યવુત્તિઓ મંજૂર કરાઇ, દેશની વિખ્યાત શાળાઓમાં ભાવનગરના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આર્થિક મદદ જાહેર કરાઇ હતી. ગરીબોને જ્ઞાતિ મુજબ નહીં પણ ખરેખર ગરીબ સ્થિતિ હોય તેને મદદ કરાતી જેમ કે 3 બ્રાહ્મણ, એક એક આરબ, ખવાસ અને ચારણ જ્ઞાતિના વિધવાઓને આર્થિક મદદ અપાઇ હતી. ભાવનગર ઇમ્પિરિયલ લાન્સર્સની કવાયત થતી અને સૈનિકોને પણ ઉજવણીમા સામેલ કરી ભોજન અપાતુ.મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તો પોતાની ખુશીના તમામ પ્રસંગોમાં રાજ્યના લોકોને સહભાગી બનાવ્યા હતા. તેઓના પ્રગતિશીલ કાર્યો માટે આજે પણ ભાવેણાવાસીઓ તેમને યાદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...