તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાએ રિસામણા છોડ્યા:સમયસરની પધરામણી, મહુવા અને વલ્લભીપુરમાં એક ઇંચ વર્ષા

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરીફ પાક મુરઝાવામાં હતો ત્યાં મેઘાની મહેર, આજથી વરસાદના મુખ્ય ગણાતા અષાઢનો આરંભ
  • ગારિયાધારમાં પોણો ઇંચ, સિહોર, પાલિતાણા અને ઉમરાળામાં ભારે ઝાપટા વરસી જતા પાકને જીવતદાન

ભાવનગર જિલ્લામાં આજે લાંબા વિરામ બાદ મેઘરાજાએ જાણે રિસામણા છોડ્યા હોય તેમ ફરીથી પધરામણી કરી છે અને હળાવ-ભારે ઝાપટાથી લઇને એક ઇંચ વરસાદ વરસી જતા ખાસ તો ખેતરોમાં વાવણી કરેલી માેલાત મુરઝાઇ રહી હતી તેવા સમયે જ આ વરસાદના અાગમનથી ખેડૂતાેમાં આનંદની લાગણી પ્રસરી વળી છે. સાથે વાતાવરણમાં પણ ઠંડક છવાઇ ગઇ છે. આજે મહુવા અને વલ્લભીપુરમાં એક ઇંચ, ગારિયાધારમાં પોણો ઇંચ તેમજ સિહોર, પાલિતાણા અને ઉમરાળામાં હળવા-ભારે ઝાપટા વરસી જતા પાકને જીવતદાન મળ્યું છે.

મહુવા શહેર તથા નેસવડ, ઉમણીયાવદર, કોંજળી, વાઘનગર સથરા વગેરે ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરે 2 થી 4 દરમીયાન એક ઇંચ જેટલો વરસાદ પડતા ખેડુતો હર્ષમાં આવી ગયા છે. 9-10 દિવસના લાંબા વિરામ બાદ વાવણી પછી સારો વરસાદ પડતા પાકને ફાયદો થવા પામતા ખેડુતોમાં આનંદની લાગણી ફેલાણી છે. લોકોને ગરમી માંથી રાહત થઇ છે. મહુવા શહેરમાં 25 મી.મી(એક ઇંચ) વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ 195 મી.મી.(8 ઇંચ) થવા જાય છે. વલ્લભીપુરમાં પણ આજે એક ઇંચ વરસાદ વરસી જતા ગરમીમાંથી રાહત મળી હતી અને ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે.

ગારીયાધાર શહેર તેમજ પંથકમાં લાંબા સમય બાદ આજે પોણા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. પંથકમાં પાક વરસાદ ન પડવાથી નિષ્ફળ જવાની સંભાવના હતી.ત્યારે આજે મેઘરાજાની પધરામણીથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરનાં પચ્છેગામ રોડ વાવ દરવાજા રોડ પર પાણી ફરી વળ્યા હતા.પંથકનાં ગામડામાં વરસાદનાં વાવડ મળ્યા હતા.લાંબા સમય બાદ વરસાદ પડતાં વાતાવરણ પણ ઠંડુ થતાં લોકોને ગરમી અને બફારામાંથી છૂટકારો મળ્યો હતો. આમ ગારીયાધાર શહેર તેમજ પંથકમાં ઘણા સમય બાદ પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ગઢડામાં ભારે ગાજવીજ સાથે વરસાદ
ગઢડા(સ્વામિના) શહેર તથા ગ્રામ્યમાં ચોમાસું આગમન બાદ થોડા વરસાદ પછી મેઘરાજાએ લાંબો વિરામ કરતા વાવણી પછી વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાની લહેર ઉઠી હતી. મુખ્યત્વે ખેતી આધારિત તાલુકામાં વરસાદ અને તળ માં પાણી ના અભાવ થી સંપૂર્ણ વાવણી નિષ્ફળ જાય અને ખેડૂતો ની ખર્ચ અને મહેનત એળે જાય તેવી સ્થિતિ જોવા મળી છે. પરંતુ લાંબા વિરામ બાદ મોડી સાંજે અચાનક વાતાવરણ પલ્ટો થતા ભારે ગાજવીજ સાથે સૂપડાધારે વરસાદનું આગમન થતા બફારાથી મુક્તિ મેળવી ઠંડકનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...