મુદ્દત વધારાનું ડીંડવાણું:સમય મર્યાદા વધારવાની રમત મૂળ મુદ્દત કરતા ચાર ગણા વધારા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડીંગમાં એકની એક એજન્સીને મુદત વધારાની દરખાસ્ત
  • સ્થળ સ્થિતિની વાસ્તવિકતા મુજબ રોડના કામોના ટેન્ડર બહાર પાડ્યા અને તે મુજબ એજન્સીઓ એ ટેન્ડર ભર્યા છતાં મુદ્દત વધારાનું ડીંડવાણું

ભાવનગર મહાનગરપાલિકામાં રોડના કામમાં એજન્સીઓમાં પણ તંત્ર અને શાસકો દ્વારા વહાલા દવલાની નીતિ ઉપરાંત મનમાની ભર્યા નિયમો બનાવતા હોય તેવા બનાવો સામે આવે છે. સ્થળ સ્થિતિ મુજબ ટેન્ડર બહાર પાડ્યા બાદ તે મુજબ એજન્સીઓ દ્વારા કામ પણ રાખવામાં આવે છે અને ત્યારબાદ એનકેન બહાના તળે ચાર ચાર ગણો સમય મર્યાદા વધારવામાં આવે છે.

મહાનગરપાલિકામાં વિકાસ કામો સમયસર પૂર્ણ નહીં કરી સમય મર્યાદા વધારવાની જાણે રમત વાત હોય તેમ એજન્સીઓ દ્વારા સમય મર્યાદા વધારવાની માગણી કરવામાં આવે છે અને સતાધીશો દ્વારા વધારો પણ આપવામાં આવે છે. કોઈપણ વિકાસ કામનું ટેન્ડર બહાર પાડવામાં આવે ત્યારે તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિની તપાસ કરી તે મુજબ એસ્ટીમેન્ટ કાઢી ટેન્ડર બહાર પાડવામાં આવે છે. અને એજન્સી દ્વારા પણ તમામ વાસ્તવિકતાની ચકાસણી કર્યા બાદ એજન્સીને પોસાતા ભાવ ટેન્ડરમાં ભરવામાં આવે છે.

પરંતુ અનેક એજન્સીઓ દ્વારા એનકેન પ્રકારે બહાનાબાજી કરી નિયત મુદ્દત પ્રમાણે કામ પૂર્ણ કરવામાં આવતો નથી અને ત્યારબાદ સમય મર્યાદા વધારાની માગણી કરવામાં આવે છે. અને તે પણ સમય મર્યાદા નજીવા દિવસો નહીં પરંતુ મૂળ કામની નિયત મુદ્દત કરતા બબ્બે ચાર ચાર ગણાની માગણી કરાઈ છે. અને તંત્ર વાહકો પણ તેના ઘુંટણીએ પડ્યા હોય તેમ મંજૂરી માટે સ્ટેન્ડિંગમાં મોકલી દે છે. અને ત્યારબાદ લીલી ઝંડી અપાય છે.

છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીઓમાં પણ આવું જ બને છે. ગત 31મી ડિસેમ્બરના રોજ મળેલી સ્ટેન્ડિંગમાં સીદસર ગામે રબ્બર મોલ્ડેડ પેવીંગ બ્લોક નાખવા 13મી જાન્યુઆરી 2021 ના રોજ વર્ક ઓર્ડર આપ્યો તેની ચાર માસની સમય મર્યાદા હતી. પરંતુ તે પૂર્ણ નહીં થતાં એજન્સી એચ.એન.શિહોરા દ્વારા 469 દિવસની સમય મર્યાદા વધારવાની માગણી કરી હતી.

અને તેને મંજૂરી પણ આપવામાં આવી. તેવી જ રીતે આગામી 13મી ના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ પિરછલ્લા વોર્ડમાં પેવિંગ બ્લોક નાખવાના કામ માટે ચાર માસની સમય મર્યાદા એપ્રિલ 2021 માં પૂર્ણ થઈ પરંતુ કામ પૂર્ણ નહીં થતાં મે 2022માં કાર્ય પૂર્ણ થયું. જેની મૂળ સમય મર્યાદા કરતા 390 દિવસનો વધારો માગ્યો છે. તેમાં પણ ગત સ્ટેન્ડિંગમાં જે એજન્સીને સમય મર્યાદા વધારી દીધી તે જ એજન્સીએ બીજા કાર્ય માટે પણ સમય મર્યાદા વધારવાની માગણી કરી છે. જેને પણ સ્ટેન્ડિંગ મંજૂરીની મહેર મારશે.

વધુ કામથી પહોંચી નહીં શકતા અંતે મુદત વધારો
કોર્પોરેશનના રોડના કામમાં મોટાભાગે એકની એક જ એજન્સીઓને કામ આપવામાં આવે છે. એજન્સીઓ દ્વારા પોતાની કાર્યક્ષમતા કરતા વધુ કામ રાખી લે છે. પરંતુ ત્યારબાદ તે કામમાં પહોંચી નહી શકતા સમયસર કામ પૂર્ણ થતું નથી. અંતે સમય મર્યાદા વધારવાનો વારો આવે છે. એજન્સીઓ દ્વારા 35% થી વધુ કમતી ભાવ ટેન્ડરમાં ભરે છે જેથી નિયમ મુજબ તેને જ વર્ક ઓર્ડર આપવો પડે છે.

વધુ કામથી પહોંચી નહીં શકતા અંતે મુદત વધારો
કોર્પોરેશનના રોડના કામમાં મોટાભાગે એકની એક જ એજન્સીઓને કામ આપવામાં આવે છે. એજન્સીઓ દ્વારા પોતાની કાર્યક્ષમતા કરતા વધુ કામ રાખી લે છે. પરંતુ ત્યારબાદ તે કામમાં પહોંચી નહી શકતા સમયસર કામ પૂર્ણ થતું નથી. અંતે સમય મર્યાદા વધારવાનો વારો આવે છે. એજન્સીઓ દ્વારા 35% થી વધુ કમતી ભાવ ટેન્ડરમાં ભરે છે જેથી નિયમ મુજબ તેને જ વર્ક ઓર્ડર આપવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...