• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Till Now 40% Of The Vacancies In The District Were Given The Benefit Of District Reshuffle Which Will Now Be Given To 100% Of The Vacancies: Jitu Waghani

શિક્ષકોના બદલીઓના નિયમોમાં ફેરફાર:અત્યા૨ સુધી જિલ્લામાં ખાલી જગ્યાના 40 ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો જે હવે 100 ટકા જગ્યા પ૨ લાભ અપાશેઃ જીતુ વાઘાણી

ભાવનગર4 મહિનો પહેલા
  • વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીઓ સંદર્ભે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશાનુસાર બે લાખથી વધુ શિક્ષક પરિવારને સ્પર્શતા નિર્ણયો લેવાયા

રાજ્ય સરકારે શિક્ષકોના હિતમાં મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના 40 ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો જે હવે 100 ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ પણ દૂ૨ ક૨વામાં આવી છે.

અંદાજે બે લાખથી વધુ શિક્ષકોને લાભ થશે
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણનું હિત, શિક્ષકોનું હિત તથા વહીવટીતંત્રનું હિત જળવાય એ માટે રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીઓના નિયમો સંદર્ભે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે જેનો અંદાજે બે લાખથી વધુ શિક્ષકોને લાભ થશે.

મુખ્યમત્રીએ નિયમોમાં મહત્વના ફેરફાર કરવા દિશા-નિર્દેશો આપ્યા
શિક્ષણ મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, 10 વર્ષ પહેલા પ્રાથમિક શિક્ષકોની બદલીઓ સંદર્ભે નિયમો ઘડાયા હતા. આ નિયમોમાં બદલાવ માટે પ્રાથમિક શિક્ષણના સંઘો દ્વારા રજૂઆતો થઇ હતી એ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંપૂર્ણ સંવેદના સાથે નિયમોમાં મહત્વના ફેરફાર કરવા દિશા-નિર્દેશો આપ્યા છે.

ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેવાયા
મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા સહિત મંડળના હોદ્દેદારો સાથે શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ, પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશ જોષી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે તબક્કાવાર ફળદાયી બેઠક યોજાઇ હતી. જેની ફળશ્રુતિ સ્વરૂપે આ નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયોને સંઘો દ્વારા વધાવી લઇ તેને ઐતિહાસિક નિર્ણયો ગણાવ્યા છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં કરેલા ઐતિહાસિક સુધારાની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઇ ગઈ છે પરંતુ 10 ટકા કરતાં વધુ મહેકમ ખાલી પડતું હોવાના કારણે છૂટા થઇ શક્યાં નથી તેવા બદલી પામેલા તમામ શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે શાળામાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરવાના કારણે શૂન્ય શિક્ષકવાળી શાળા થતી હોય ત્યાં છેલ્લે છૂટા થવા પાત્ર શિક્ષકને નવા શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.

શિક્ષકોનું હિત ધ્યાને લઈ સરકારે નવા નિયમો તૈયાર કર્યાઃ શિક્ષણ મંત્રી
મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો તા.23/05/2012ના ઠરાવથી નિયત થયા હતા. માન્ય શિક્ષક સંગઠનો તેમજ શિક્ષકોનું હિત ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો તૈયા૨ ક૨વામાં આવ્યા છે. જે અંતર્ગત અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના 40 ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવતો હતો તેના બદલે નવા નિયમો મુજબ જે તે જિલ્લામાં ખાલી 100 ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે.
મંત્રીએ કહ્યું કે, જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવેલ છે એટલે કે 'વતન' શબ્દ દૂ૨ ક૨વામાં આવ્યો છે. તે ઉપરાંત શિક્ષક સંઘો અને તેમના પ્રતિનિધિઓ સાથે પુરતી ચર્ચા વિચારણાને અંતે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે શિક્ષકો વધ બદલીથી અન્ય શાળામાં ગયેલા છે તેવા શિક્ષકોને જો તેઓ મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો બે વધઘટ બદલી કેમ્પ સુધી મૂળ શાળા ઇચ્છે તો માંગી શકે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, 10 વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી જિલ્લા ફેરબદલી કે જિલ્લા અરસ પરસ બદલી માટે અરજી કરી શકશે. એટલું જ નહિ, જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ/પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે.

ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી
મંત્રી વાઘાણીએ કહ્યું કે, પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. તે ઉપરાંત બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. એટલે કે બદલી બાબતે જે કોઇ રજૂઆત / ફરિયાદ હોય તો સંબંધિત શિક્ષક / મુખ્ય શિક્ષક દ્વારા ફરિયાદ નિવારણ સમિતિને રજૂઆત કરી શકાશે અને ફરિયાદ નિવારણ સમિતિ તેનું નિરાકરણ ક૨શે. જેથી શિક્ષકોને બિનજરૂરી કોર્ટ કેસ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થશે નહીં.

અન્ય સમાચારો પણ છે...