વિશેષ:રાષ્ટ્રીય પર્વે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં ત્રણ મુખ્ય તફાવત, રાષ્ટ્રીય પર્વે તિરંગાને કોણ ફરકાવે અને કેવી રીતે અને ક્યાં ફરકાવે તેની રસપ્રદ હકીકત

ભાવનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદીના અમૃત વર્ષની ઉજવણી અંતર્ગત આ વર્ષે હર ઘર તિરંગા અભિયાન

દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થવાના અવસરે ’હર ઘર ત્રિરંગા’ અંતર્ગત દેશવાસીઓમાં 13 થી 15 ઓગસ્ટ સુધી રાષ્ટધ્વજ ઘરે ઘરે ફરકાવીને રાષ્ટ્ર પ્રેમ દર્શાવવા માટે અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. દર વર્ષ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસનાં દિવસે એટલે કે, ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવવાની રીત અલગ-અલગ હોય છે. 15 ઓગસ્ટના રોજ જ્યાં આખો દેશ શહીદોને શ્રદ્ધાંજલિ આપીને આઝાદીની ઉજવણી કરે છે.

જ્યારે 26 જાન્યુઆરીના રોજ આપણને આપણાં બંધારણ અને લોકશાહીના મહત્વની અનુભૂતિ કરાવે છે. વર્ષના આ બંને પ્રસંગોએ દેશભરમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ બંને વચ્ચે કેટલાક તાત્વિક ભેદ છે. જેમાં મુખ્ય ત્રણ તફાવત છે. પ્રથમ ભેદ જોઈએ તો 26 જાન્યુઆરીએ ભારતના રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં યોજાનારા વિશેષ સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. જ્યારે 15 ઓગસ્ટે વડાપ્રધાન દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે.બીજો તફાવત જોઈએ તો, 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે મુખ્ય ઇવેન્ટ નવી દિલ્હીમાં યોજવામાં આવે છે છે.

પરંતુ સ્થળ બદલાય છે. જેમ કે 26 જાન્યુઆરીએ રાજપથ / ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રધ્વજ લહેરાવામાં આવે છે. જ્યારે 15 ઓગસ્ટે લાલ કિલ્લા ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. ત્રીજો તફાવત રાષ્ટ્રધ્વજ લહેરાવવાની રીતનો છે. 15 ઓગસ્ટે, ત્રિરંગો (નીચે બંધાયેલો હોય છે) તેને ઉપરની તરફ લઇ જઇને લહેરાવવામાં આવે છે. તેને અંગ્રેજીમાં ફ્લેગ હોસ્ટિંગ (ધ્વજારોહણ) કહેવામાં આવે છે. જ્યારે 26 જાન્યુઆરીએ ધ્વજ ઉપર જ બાંધેલો હોય છે અને તેને ત્યાં જ ફરકાવવામાં આવે છે. જેને ફ્લેગ અનફર્લિંગ કહેવામાં આવે છે.

રાષ્ટ્રપતિએ ભારત દેશના બંધારણીય વડા છે અને વડાપ્રધાનને રાજકીય વડા કહેવામાં આવે છે. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં આવ્યું હતું. તેથી આ દિવસની પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. જ્યારે 15મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ લહેરાવે છે.

અન્ય સમાચારો પણ છે...