કોર્ટેનો ચુકાદો:ડબલ મર્ડરના ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપાવટી ગામે ભાઈઓ વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો
  • પારિવારિક મનદુ:ખ હોય, મોબાઈલ બાબતે બોલાચાલી થતાં બે વ્યક્તિઓનું ખુન થયું હતું

ગારિયાધારના રૂપાવટી ગામે થયેલા ડબલ મર્ડર કેસના ત્રણ આરોપીને કોર્ટે આજીવન કેદ અને એક આરોપીને નિર્દોષ ઠરાવ્યો હતો.

ગારિયાધાર તાબેના રૂપાવટી ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ચાલતા મનદુખ વચ્ચે ગત તા. 13/04/2021ના રોજ મોબાઈલ તથા મોટર સાઈકલ બાબતે ઝઘડો થયો હતો જેમાં રમેશભાઈ ગીગાભાઈ ઉનાવા તથા કનુભાઈ ગોરધનભાઈ ઉનાવા છરી વાગી જતાં મોત થયાં હતા.

બનાવ અંગે ગારિયાધાર પોલીસ મથકમાં ગોરધનભાઈ ગીગાભાઈ ઉનાવાએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ ભાવનગર પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો, 55 દસ્તાવેજી પુરાવાઓ, 15 સાક્ષીઓને ધ્યાને લઈ આરોપી દેવરાજ જીણાભાઈ ઉનાવા, જીતુ દેવરાજભાઈ ઉનાવા અને રાજુ દેવરાજભાઈ ઉનાવા (ત્રણેય રહે. રૂપાવટી)ને આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો. આ રકમમાંથી 75 હજાર ગુજરનાર કનુભાઈના પત્નિને તથા રૂ. 75 હજાર ગુજરનાર રમેશભાઈના વારસદારને તથા રૂ. 25 હજાર ઈજા પામનાર કૌશીકભાઈ રમેશભાઈ તથા રૂ. 25 હજાર ઈજા પામનાર દિનેશભાઈ ગોરધનભાઈને વળતર ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો. જ્યારે અન્ય એક આરોપી વિપુલ ઉર્ફે વિપો બિજલભાઈને નિર્દષ ઠરાવી છોડી મુકેલ છે.

અન્ય સમાચારો પણ છે...