ઘાંસની આડમાં દારૂની હેરાફેરી:ભાવનગરના જીંથરી ગામ પાસેથી 924 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LCBએ ઇંગ્લીશ દારૂ અને બે વાહન મળી કુલ રૂપિયા.9,25,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સોનગઢ તાબેના જીંથરી-અમરગઢ ગામ પાસેથી ઘાસના જથ્થાની આડમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પરપ્રાંતિય શરાબના જથ્થાની હેરફેર કરી રહેલ ત્રણ ખેપીયાઓને એક લોડીંગ ટેમ્પો એક કાર તથા દારૂના જથ્થો મળી કુલ રૂપિયા 9,25,000 ના મુદ્દામાલ સાથે અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેર-જિલ્લામાં સુરક્ષા-વ્યવસ્થા ના પાસાંઓ અકબંધ રાખવાની નેમ સાથે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ માં હોય એ દરમ્યાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સોનગઢ થી રાજકોટ તરફ એક ટેમ્પામા વિદેશી શરાબનો જથ્થો મોકલાઈ રહ્યો છે. આથી ટીમના સભ્યો બાતમી રાહે જીંથરી (અમરગઢ) ગામ પાસે આવેલ શિતળામાતા ના મંદિર પાસે વોચ માં હતાં.

પોલીસે વોચ દરમિયાન એક SX4 કાર નં જી-જે-12-AE-2045 લોડીંગ ટેમ્પો નં જી-જે-36-T-7684 નું પાયલોટિંગ કરતી પસાર થતાં ટીમે કાર તથા ટેમ્પાને અટકાવી કારમાં સવાર તથા ટેમ્પામા સવાર મુસાફર-ચાલકોના નામ સરનામાં સાથે બંને વાહનોની તલાસી હાથ ધરી હતી જેમાં કારમાં સવાર શખ્સોએ પોતાના નામ જણાવેલ જેમાં ભરતસિંહ વિક્રમસિંહ ગોહિલ ઉ.વ.35 રે,ભારોલી તા,તળાજા તથા કુલદિપસિંહ સિધ્ધરાજસિંહ ગોહિલ ઉ.વ.23 રે ભારોલી તા,તળાજા અને ટેમ્પો ચલાવી રહેલ શખ્સે પોતાનું નામ કરશન પ્રવિણ મકવાણા ઉ.વ.25 રે તરસમીયા-ખારસી વિસ્તાર ભાવનગર વાળા હોવાનું જણાવેલ હતું.

પોલીસે ટેમ્પાની તલાસી લેતાં ઘાસના પૂળા નિચે છુપાવેલ પરપ્રાંતિય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો વિના પાસપરમિટ વિના મળી આવતાં પોલીસે શખ્સોની પ્રાથમિક પુછતાંછ હાથ ધરતાં આ શરાબનો જથ્થો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ડાંગરા ગામે રહેતા જીતેન્દ્રસિંહ ઈન્દ્રજિતસિંહ જાડેજા ને ડીલેવરી આપવા જતાં હોવાનું જણાવ્યું હતું. આથી એલસીબી એ વિદેશી શરાબ ટેમ્પો કાર મળી કુલ રૂ,9,25,000 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...