તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:સ્મશાનમાં લાકડાના વપરાશમાં સાડા ત્રણ ગણો વધારો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય રીતે અંતિમ વિધિ માટે બે માસમાં 15 હજાર મણ લાકડા વપરાતા તે વધીને 52 હજાર મણ થયા

ભાવનગર શહેરમાં છેલ્લા બે માસ દરમિયાન એક તરફ કોરોના પોઝિટિવ રોગચાળો તેની પરાકાષ્ટાએ આંબ્યો છે તો બીજી તરફ સ્મશાનોમાં અંતિમ વિધિ માટે વપરાતા લાકડાની વપરાશ સાડા ત્રણ ગણી વધી ગઇ છે. સામાન્ય રીતે બે માસમાં ભાવનગરમાં મુખ્ય સ્મશાનોમાં સામાન્ય સંજોગોમાં અંદાજે 15,080 મણ લાકડાનો વપરાશ થતો હતો તે હવેના કોરોનાની બીજી લહેરના બે માસના સમયગાળામાં વધીને 52,660 મણને આંબી ગયો છે.

આ અંગે વધુ વિગત આપતા ગોરડ સ્મશાનના ચીમનભાઇએ જણાવ્યું હતુ કે અમારા સ્મશાનમાં સામાન્ય સંજોગોમાં બે માસમાં ફક્ત 1200 મણ લાડકનો વપરાશ હોય છે પણ આ કોરોના કાળમાં બે માસમાં 7470 મણ લાકડાનો વપરાશ થયો. જેમાં કુલ 747 લોકોની અંતિમ વિધિ કરવામાં આવી તે પૈકી 597 લોકોની તો કોરોનાની પદ્ધતિએ અંતિમ વિધિ કરવામાં આવી હતી. જે દર્શાવે છે કે બે માસમાં મૃત્યુઆંક કેટલો વધી ગયો છે.

કુંભારવાડા સ્મશાનના અરવિંદ પરમારે માહિતી આપતા જણાવ્યું હતુ કે એક વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે સરેરાશ 10 મણથી 12 મણ લાકડા જોઇએ છે. કુંભારવાડા સ્મશાનમાં આમ તો સામાન્ય સંજોગોમાં બે માસમાં 2880 મણ લાકડાનો વપરાશ હોય છે પણ આ કોરોના કાળમાં તે વધીને 9360 મણ થઇ ગયો છે. તો સિંધુનગર સ્મશાનમાં સામાન્ય સંજોગોમાં બે માસમાં 4300 મણ લાકડા અંતિમ વિધિ માટે જરૂરી હોય છે તે છેલ્લાં બે માસમાં વધીને 8640 મણ થઇ ગયો છે. કુલ 6 સ્મશાનમાં સામાન્ય સંજોગોમાં લાકડાનો વપરાશ 15,080 મણ હોય છે તે માર્ચ-એપ્રિલમાં વધીને 52,660 મણ થઇ ગયો છે. જે 3.5 ગણો વધારો દર્શાવે છે.

હાયપરટેન્શન અને ડાયાબિટિસ મુખ્ય કારણ
આ લાકડાનો જથ્થો દર્શાવે છે કે મરણઆંક અને ખાસ તો કોરોનાથી કો-મોરબિડ મોતની સંખ્યા પણ વધુ છે. તેમાં ડૉક્ટરો, દર્દીઓના સગાં પાસેથી મળેલી વિગતો મુજબ 2021ના માર્ચ, એપ્રિલ અને મે મહિનાના 14 દિવસ એમ કુલ 75 દિવસમાં જે મૃત્યું થયા તેમાં 80 ટકા એવા લોકો હતા જેમને અન્ય બીમારીઓ હતી. રાજ્યમાં સૌથી વધુ 38 ટકા મોત હાયપરટેન્શનનો ભોગ બનેલા દર્દીઓના થયા છે. બીજા ક્રમે 28 ટકા મોત ડાયાબિટિસ અને કિડની, લીવરની બીમારીથી પીડિત દર્દીઓના થયા છે. અન્ય બીમારીઓનો ભોગ બનેલા દર્દીઓનું પ્રમાણ 14 ટકા જેટલું છે.

અન્ય સમાચારો પણ છે...