તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાલના 21 ગામો પર જોખમ:ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ટૂંકા નાળા સામે પાળા કરશે ધનોતપનોત, અનેક ગામો અને ખેતરોમાં પાણી ફરી વળશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટૂંકા નાળાવાળો બ્રિજ. - Divya Bhaskar
ટૂંકા નાળાવાળો બ્રિજ.
  • નદીનો પ્રવાહ દરિયામાં જતો અટકશે, ચોમાસામાં ભારે મુશ્કેલી, તંત્રની અણઘડતા, હજારોને કરવી પડશે હિજરત
  • ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર બનાવેલા પુલની પહોળાઈ નદીના પટ કરતાં ઓછી, પાળા અને પુલને કારણે વરસાદી પાણી અવરોધાશે

ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટમાં નારાથી અધેલાઈ સુધી નદી અને ખાડી પર બનાવેલા બ્રિજ તંત્રનું અણઘડ આયોજન હોય તેમ નદીના પટ કરતાં પહોળાઈ ઓછી અને ઊંચાઈ વધુ રાખવાને કારણે ચોમાસામાં વરસાદી પાણી અવરોધાશે, જેને કારણે પાણી પાછું મારતાં ભાવનગર વલભીપુર તાલુકાના 21થી વધુ ગામોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી જવાની પૂરી શકયતા વર્તાઈ રહી છે. અને જો આગળ છે તેના પગલાં નહીં લેવાય તો મોટી જાન અને માલહાનિ થવાની પણ ભીતિ છે. તદુપરાંત બ્રિજની સામે જ મીઠાના પાળા પણ હોવાથી ત્યાં પણ પાણી અવરોધાશે. બંને તરફથી પાણીનો અવરોધ ઉભો થતાં આગામી દિવસોમાં મોટી હોનારતની પણ શક્યતાને નકારી શકાય નહીં.

ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર વેગડ, માલેશ્રી અને કાળુભાર નદી તેમજ ત્રણ જેટલી ખાડી પર તાજેતરમાં પુલ બનાવવામાં આવ્યા છે, જેનું કામ થોડા સમય પહેલાં જ પૂર્ણ થયું છે. પરંતુ નદી અને ખાડીના પટ કરતા આ બ્રિજ ઓછી પહોળાઈના ડિઝાઇન કરવામાં આવ્યા છે. સામાન્યતઃ પટના એક છેડાથી બીજા છેડા સુધી બ્રિજ બનાવવામાં આવતા હોય છે. જેથી બ્રિજ નીચેથી સરળતાથી પાણી પસાર થઈ શકે. પરંતુ શોર્ટ રૂટ પર સાંકડા બ્રિજને કારણે ચોમાસામાં નદીના પ્રવાહ વધતા પાણી અવરોધાવાની પુરી શક્યતા રહે છે. ભારે વરસાદને કારણે નદીમાંથી ધસમસતા આવતા પાણી બ્રિજમાં અવરોધાવાને કારણે પાણીનું લેવલ ઉંચું જશે અને તે પાણી પાછું મારતા આસપાસના ગામોમાં તેમજ ખેતરોમાં પાણી ફરી વળશે.

કાળુભાર, માલેશ્રી, ઘેલો સહિતની નદીઓના વહેણ આડે મીઠાના અગરનો અવરોધ ઉભો થતાં આસપાસના ગામોમાં ચોમાસામાં પાણી ઘૂસી જાય છે.
કાળુભાર, માલેશ્રી, ઘેલો સહિતની નદીઓના વહેણ આડે મીઠાના અગરનો અવરોધ ઉભો થતાં આસપાસના ગામોમાં ચોમાસામાં પાણી ઘૂસી જાય છે.

જ્યારે નદીના વહેણ તેમજ ખુલ્લા પટમાં બનાવેલા મીઠાના અગરને કારણે પણ પાણી અવરોધાવાની પુરી સંભાવના છે. અગાઉ મીઠાના અગરને કારણે વરસાદી પાણી ગામો અને ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા અને ગ્રામજનોને મોટુ નુકસાન થયું હતુ.

હાઈડ્રોલોજિક સર્વે જરૂરી
નિવૃત્ત અધિકારી એન.ડી. ભટ્ટે જણાવ્યું કે, ભાલ પંથકમાં નાની મોટી 27 જેટલી નદીઓના પાણીના વહેણ આવતા હોય છે. દરિયામાં મોટી ભરતી સમયે અને ચોમાસામાં ભારે વરસાદમાં આવતા પાણીના લેવલ તેમજ તેના અવરોધો અને ફેલાવો સહિતના હાઇડ્રોલિક સર્વે જરૂરી છે. જેથી વોટર લોગીંગ જાણી શકાય.

નદીના વહેણને અવરોધથી ગામોના ગામો ડુબી જશે
પૂર્વ સરપંચ કાળાતળાવ સાર્દુળભાઈ ચુડાસમાએ કહ્યું કાળુભાર, માલેશ્રી, ઘેલો સહિતની નદીઓના વહેણ આડે મીઠાના અગરનો અવરોધ ઉભો થતાં આસપાસના ગામોમાં ચોમાસામાં પાણી ઘૂસી જાય છે. ચોમાસામાં જો ભારે વરસાદ આવશે તો અનેક ગામોના ગામો ડૂબી જવાની પણ પૂરી શક્યતા છે. વારંવાર રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી.

સરકાર દાખલ કરી શકે સુઓમોટો
નવા લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ સરકારી જમીનમાં દબાણ કરી નફાકારક ઉપયોગ કરે તો તેની સામે સરકાર સુઓમોટો દાખલ કરી શકે. કોઈ ત્રાહિત વ્યક્તિ ફરિયાદ ન કરે તો પણ સરકાર પોતે ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી શકે. ભાલ પંથકમાં ઉચ્ચ રાજકીય અગ્રણીઓના સંબંધિતોના જ મીઠાના અગર હોવાને કારણે તેની સામે કોઈ કાર્યવાહી નહીં કરતા હોવાનો ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

7500 કાળીયારો પર પણ ખતરો
વેળાવદર અભ્યારણ અને આસપાસના વિસ્તારમાં 7500 જેટલા કાળિયાર છે. દર વખતે ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો થાય છે જેમાં કાળિયારને ભારે મુશ્કેલી ઉભી થાય છે. આ વખતે તો જો હાઈટાઇડ અને વરસાદ બન્ને સાથે આવશે તો ખુલ્લા પટમાં ફેલાતા પાણીમાં પણ મીઠાના અગરના અવરોધને કારણે કાળિયારને ખતરો છે. જોકે, તેની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાએ રોડ જેવુ બનાવ્યું છે જેના પર તેઓ ચડી શકે.

ક્યા ગામને અસર કરશે ?
કાળા તળાવ, નર્મદ, કરદેજ,કમળેજ, ઉંડવી, દેવળીયા, પાળીયાદ, માઢિયા, સનેસ, ગોકુળપરા, ખેતાખાટલી, કાળિયાર અભ્યારણ, મેવાસા, રાજગઢ, મીઠાપર, વેળાવદર, સવાઈનગર, આણંદપર, રાજપરા, વિરડી, નારી.