પાણીના વેડફાટ માટે જવાબદાર કોણ?:ભાવનગરના મેથળા ગામમાં બંધારાનો પાળો તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ, ખેડૂતોએ કરેલી મહેનત એળે ગઈ

ભાવનગર11 દિવસ પહેલા
  • પાળાનું ધોવાણ થતા ખેડૂતોએ સમારકામ કરવાની માગ કરી હતી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મેથળા ગામે અનેક ગામના લોકોએ શ્રમદાન થકી તૈયાર કરેલા બંધારાનો પાળો તૂટતા હજારો લીટર પાણી દરિયામાં વેડફાઈ ગયું છે. ખેડૂતોની રજૂઆત બાદ પણ બંધારાના પાળાનું સમારકામ ના થયું અને પાળો તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થતા ખેડૂતોમાં નિરાશા છવાઈ છે.

માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં થોડા સમય પૂર્વે ચર્ચાના એરણે ચડેલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મેથળા ગામે દરિયા નજીક આવેલ મેથળા બંધારો ફરી સમાચારમાં છવાયો છે. સરકારી તંત્ર ની એક "રાતીપાઈ" વિના માત્ર લોક ભાગીદારી તથા સેંકડો ખેડૂતો શ્રમજીવીઓ દ્વારા રાત-દિવસ જોયાં વિના અથાગ પરિશ્રમ-શ્રમદાન દ્વારા તૈયાર કરવામાં આવેલ વરસાદી પાણીનાં સંગ્રહ માટે બનાવવામાં આવેલ મેથળા બંધારાનુ અસ્તિત્વ જોખમાયુ છે.તાજેતરમાં પડેલ ભારે વરસાદ ને પગલે આ બંધારો છલકાઈ ગયો હતો. પરંતુ સમુદ્ર તરફ આવેલ પાળાનું ભારે વરસાદ ને પગલે ધોવાણ થયું હતું અને આ પાળાના તત્કાળ સમારકામ માટે ખેડૂતો એ માંગ પણ કરી હતી.

આજે વહેલી સવારે ક્ષતિગ્રસ્ત પાળાનો કેટલોક ભાગ તૂટી પાણીના પ્રવાહમાં વહી જતાં બંધારામાંથી પાણીનો રીસાવ શરૂ થયો હતો અને જોતજોતામાં હજારો લીટર પાણી વહેવા લાગતાં લોકોના ટોળેટોળાં સ્થળ પર એકઠા થયા હતા. પરંતુ પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોય જેને અટકાવવા માટે પ્રારંભિક તબક્કે આદરેલ મહેનત એળે ગઈ હતી.આથી ખેડૂતો ની એક ટીમ સ્થળ પર પહોંચી છે અને પાળાનુ તાકિદે સમારકામ હાથ ધરવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર મુદ્દે લોકોમાં થતી ચર્ચા મુજબ દરિયા તરફના પાળાને મજબૂત કરવા અને સિમેન્ટ-કોક્રિટથી રક્ષિત કરવા સરકાર તથા નેતાઓને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ અંગે કોઈએ દાદ ન આપી હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે આ પાળો તૂટ્યો હોવાની ચણ-ભણ લોકોમાં થઈ રહી હતી.

શું છે મેથળા બંધારાનો પ્રોજેક્ટ
ભાવનગરમાં તળાજા પાસે આવેલા મેથાળા સહિતના બીજા 9 ગામોમાં સિંચાઇ નાં પાણીની ખૂબ તકલીફ હોવાના લીધે અહીં બંધારા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા વર્ષો થી કોઈ નિર્ણય ન લેવાતા ખેડૂતો દ્વારા જાતે જ બંધારા ની પ્રતિકૃતિ જેવી રચના કરવામાં આવી હતી અને આસપાસ નાં ગામોની સિંચાઇ માં આ પાણીનો ઉપયોગ થતો હતો. સરકાર દ્વારા આ પ્રોજેક્ટ બનાવવામાં કેટલાક વિઘ્નો આવી રહ્યા છે.

હાલમાં તમામ પરવાનગી લેવામાં આવી રહી છે
ફોરેસ્ટ વિભાગની અને ખાનગી જમીનનો એકવાર કબજો મળી જાય પછી ટેન્ડર ની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. હાલમાં સિંચાઇ અને મહેસૂલ વિભાગ દ્વારા તમામ પરવાનગી લેવાની કામગીરી શરૂ છે. ડેમ બનાવવાની અંદાજિત રકમ 30 કરોડ જેટલી છે. હાલમાં વહીવટી અને ટેકનિકલ મંજૂરીઓ પર કામ શરૂ છે. મેથાળા બંધારો સિંચાઇ ક્ષેત્રે ખૂબ ઉત્તમ પગલું છે.> કે.જી. મકવાણા, કાર્યપાલક ઇજનેર ક્ષાર અંકુશ, સિંચાઇ વિભાગ

ખેડૂતો હજી પણ સ્વ ખર્ચે ગાબડું પૂરશે
છેલ્લા 35 વર્ષોથી અહીં આ વિસ્તાર માં મીઠા પાણીનો પ્રશ્ન સતત રહ્યો છે. ત્યારે 13 ગામના ખેડૂતોએ સ્વ ખર્ચે આ બંધારો બનાવવાનું નક્કી કર્યું. ગઇકાલે રાત્રે ગાબડું પડવાથી હાલમાં ખૂબ પાણી વહી ગયું છે. ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ ગાબડું પૂરીને તંત્ર ને રજૂઆત કરીશું કે શેત્રુંજી કેનાલ ખોલવામાં આવે જેથી અહીં પાણી ભરી શકાય. બંધારા નાં લીધે જે કૂવા વર્ષોથી સુકાઈ ગયા હતા ત્યાં હવે મીઠું પાણી છે.
> મનુભાઈ બારૈયા, મેથળા બંધારા સમિતિ

વન વિભાગની અને ખાનગી જમીન પણ સામેલ
મેથાળા બંધારો બનાવવાની જગ્યા પર કુલ 600 એકર ની જમીન રિઝર્વ ફોરેસ્ટ માં આવે છે. વન વિભાગ પાસેથી આ જમીન લઈને તેઓને જમીન આપવી પણ પડતી હોય છે. તે માટે વલભીપુર તાલુકા નાં મોણપુર પાસે જમીન આપી પણ દેવાઈ છે જે અંદાજે 50 કરોડ ની છે. જ્યારે આજુ બાજુના 7 ગામની અંદાજે 321 હેકટર ની જમીન નો ખાનગી હવાલો છે જે જમીન લેવાની કામગીરી પણ ચાલી રહી છે. આ જમીન 54 કરોડથી વધારે રકમની છે.

અન્ય સમાચારો પણ છે...