તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટકરાવ:રેલવેના બાબુઓ સામે ભાજપના નેતાઓ ઘૂંટણીએ પડયા છતાં ટ્રાફિક જામ નિવારવા તસુ જમીન આપવા ચોખ્ખી ના

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલ્વે હોસ્પિટલવાળી જગ્યામાં સાંકડી ગલીમાંથી પસાર થવા વાહનચાલકોને સતત અકસ્માતનો ભય
  • ગૌરવ પથ પર ઓવરબ્રીજ બને ત્યારે કામચલાઉ રસ્તા માટેની માંગણી ઠુકરાવી, હેરાન થતી પ્રજા બાબુઓના ઘરને ઘેરાવ કરવાના મૂડમાં

ભાવનગરમાં પ્રવેશતા જ વાહન ચાલકો તોબા પોકારી જાય છે. રોજના 70 હજારથી પણ વધુ લોકો જે રસ્તા પરથી પસાર થાય છે તે ભાવનગર રાજકોટ રોડ પર ફ્લાયઓવરના ચાલુ કામને કારણે બન્ને તરફ સાકડી ગલી થઈ ગઈ છે. સતત ટ્રાફિક જામ રહે છે.

જેના ઉકેલ માટે કોર્પોરેશને રેલ્વે પાસે રેલ્વે હોસ્પિટલ અને ક્વાર્ટર તરફની સાત સાત મીટર જગ્યા કામચલાઉ ધોરણે જ લોકોની અવારનવાર માટે માગી, અને તે માટે ખુદ સાંસદ અને મેયર સહિતના રૂબરૂ સ્થળે રેલ્વેના અધિકારીઓને લઈ ગયા છતાં જાણે પ્રજાના પ્રતિનિધિઓને પણ તંત્ર ગાઠતું ના હોય તેમ સાંસદની મુલાકાત અને સુચનાને બે મહિના થઈ ગયા છતાં સાત મીટર તો શુ એક ઈંચ પણ જગ્યા આપી નહીં. આમ રેલવેની જમીન કામચલાઉ ધોરણે મેળવવા માટે ભાજપના નેતાઓ રેલવેના બાબુઓ સામે ઘૂંટણીએ પડ્યા છતાં ટ્રાફિક જામ નિવારવા તસુ જમીન આપવાની રેલવેએ ચોખ્ખી ના પાડી દીધી હતી.

આ પ્રશ્ને પ્રજા હેરાન થતી હોય પ્રજા પણ હવે બાબુઓના ઘરનો ઘેરાવ કરવાના મૂડમાં છે.ભાવનગર રાજકોટ રોડ પર હાલમાં સિક્સ લેન અને ફ્લાયઓવરનું કામ શરૂ છે અને તે લાંબા સમય સુધી ચાલવાનું છે. પરંતુ હાલમાં ફ્લાયઓવરના ચાલુ કામને કારણે બોરતળાવના નાકા થી દેસાઈનગર પેટ્રોલ પંપ સુધીનો રસ્તો એકદમ સાકડો થઈ ગયો છે. અને રેલ્વે હોસ્પિટલની દીવાલે દીવાલે તો વાહન ચાલકો માંડ માંડ પસાર થઈ શકે છે. બોરતળાવના નાકાથી નીકળી દેસાઈનગર પેટ્રોલ પંપ સુધી પહોંચતા તો વાહન ચાલકોના જીવમાં જીવ આવે છે. નાનકડી ગલી જેટલા થઈ ગયેલા રોડમાંથી પસાર થતાં અનેક નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે.

રોડ પરની ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વકરતી જાય છે. જેથી બે મહિના પૂર્વે ગત તા.10મી એપ્રિલના રોજ સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કિર્તિબેન દાણીધારીયા, કમિશનર ગાંધી રૂબરૂ સ્થળ પર જઈ પરિસ્થિતિ પણ જોઈ અને રેલ્વેના ડીઆરએમ,ચીફ ઈજનેર સહિતના અધિકારીઓને દેખાડી પણ ખરા. અા ટ્રાફિકના પ્રશ્નના હલ માટે રેલ્વે હોસ્પિટલ અને ક્વાર્ટર તરફની બન્ને સાઈડમાં માત્ર સાત સાત મીટરની જગ્યા કામચલાઉ ધોરણે લોકોની સુવિધા માટે માગી હતી. પરંતુ જાણે રેલ્વેએ લોકોને પડતી હાલાકીમાં વધુ રસ હોય તેમ પહેલીથી જ જગ્યા નહીં આપવા મન મનાવી લઈ નનૈયો ભણ્યો હતો.

સાંસદ અને મેયર સહિતના આગ્રહને કારણે રેલ્વેએ તત્કાલીન સમયે તો હા પાડી પરંતુ રાત ગઈ બાત ગઈની જેમ હજુ સુધી એક ડગલું પણ કામચલાઉ જગ્યા સોંપવાની કાર્યવાહી થઈ નથી. રેલ્વેના અધિકારીઓ કોર્પોરેશન સાથે તો આડોડાઈ કરતા હતા પરંતુ સાંસદને પણ ગાંઠતા નહીં હોવાનો દાખલો છે. પ્રજાને પડતી હાલાકીના નજીવી કાર્યવાહીમાં પણ પ્રજાના પ્રતિનિધિઓને તંત્ર તુચ્છ ગણે છે અથવા તો પ્રજાના પ્રતિનિધિઓની તંત્ર પર પક્કડ નહીં હોવાનું સાબિત થાય છે. રેલવે હોસ્પિટલ વાળા સાંકડા રસ્તામાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાને કારણે તો ચોક્કસપણે આ રસ્તા પર વાહનચાલકોને સતત અકસ્માતનો ભય રહેશે.

ફ્લાયઓવર ફેક્ટ ફાઈલ
કરોડ કુલ ખર્ચ : 115.59

મીટર કુલ લંબાઈ : 1400

લોકોની રોજની અવરજવર : 70000​​​​​​​

લોકોને થશે ફાયદો :

અન્ય સમાચારો પણ છે...