ગઇ કાલ શનિવારથી વાતાવરણમાં ફેરફાર થવાની સાથે અરબી સમુદ્ર તરફથી એટલે કે દક્ષિણ પશ્ચિમ તરફથી ગરમ પવન શરૂ થયા છે જેના કારણે આજે ભાવનગર શહેરમાં 41.2 ડિગ્રી સાથે આ ઉનાળાની સિઝનમાં નગરજનોએ સર્વાધિક ગરમીનો અનુભવ થયો હતો. આ સાથે શહેરમાં વાતાવરણમાં સવારના સમયે ભેજનું પ્રમાણ 47 ટકા નોંધાયું હતુ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે એપ્રિલના અંતમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી ઉપર પહોંચી જાય તેવી સંભાવના રહેલી છે.
આગામી મહિને હીટવેવના કારણે આકરી ગરમી પડવાની પણ આગાહી છે. જે ગરમી મે માસના મધ્યમાં નોંધાતી હોય છે તે ગરમી એપ્રિલ માસના મધ્યમાં નોંધાતા નગરજનો તોબા પોકારી ગયા છે. ખાસ કરીને ઉત્તરના ગરમ પવનને કારણે આ તાપમાન વધ્યું છે અને બપોરના સમયે તો શહેરમાં રોડ બળતા હોય તેવો અનુભવ દાહક ગરમીથી થાય છે.
ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે 2.2 ડિગ્રી વધીને 41.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થતા આ ઉનાળાની સિઝનમાં આજની બપોરે સર્વાધિક ગરમી વરસી હતી. સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ 47 ટકા હોય તથા સાથે બપોરના સમયે સરેરાશ 24 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાતા અસહ્ય બફારાથી નગરજનો ત્રસ્ત થઇ ગયા હતા. ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન જો કે ઘટીને 22.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જેથી રાત્રે ગરમીમાં થોડી રાહત પવનના સૂસવાટાથી મળે છે.
લૂ લાગે તો તત્કાલ સારવાર જરૂરી
અસહ્ય ગરમીમાં કોઇપણ વ્યક્તિ વધુ સમય માટે બહાર નિકળે તો તે હિટસ્ટ્રોકનો ભોગ બની શકે છે. વ્યક્તિના શરીરમાંથી પાણીની માત્રા ઘટી જાય છે અને તે ડિહાઇડ્રેશનનો ભોગ બને છે. વ્યક્તિને માથામાં દુ:ખાવો ઉપડે છે. શરીર તૂટવા લાગે છે. ઉલ્ટી થાય છે, તાવ આવે છે, આ ઉપરાંત બ્લડ પ્રેશર લો થવું, ગભરામણ થવી, ચક્કર આવવા જેવા હિટસ્ટ્રોકના લક્ષણો છે. લૂ લાગવાથી જો દર્દીને સમયે સારવાર ન મળે તો મોત થઇ શકે છે.
બપોરે ગરમીમાં વધારો
તારીખ | મહત્તમ તાપમાન |
17 એપ્રિલ | 41.2 ડિગ્રી સેન્ટીગ્રેડ |
16 એપ્રિલ | 39.0 ડિગ્રી સેન્ટીગ્રેડ |
15 એપ્રિલ | 38.3 ડિગ્રી સેન્ટીગ્રેડ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.