તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરચોરી ડામવા કવાયત તેઝ:કરચોરીની ગેરરીતિ શોધવા GST અને ઇન્કમટેક્સ વચ્ચે બ્રિજ બનશે

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશના બે મહત્વના કરવેરાના સોફ્ટવેરમાં આવશે સંશોધન
  • બેંકના ખાતા પર પણ નજર રાખાશે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અમલમાં આવ્યાને 49 મહિના થઇ ગયા, પરંતુ સરકાર હજુપણ તેમાં રહેલા છીંડાની મરામત કરાવવામાં અસફળ રહી છે, અને તેનો લાભ લઇ ભેજાબાજો, કૌભાંડકારીઓ અધિકારીઓ સાથે મેળાપીપણું રચીને કરોડો રૂપિયાના બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ જેવા કૌભાંડો આચરી રહ્યા છે. આ અવ્યવસ્થાને નાથવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અને નાણા મંત્રાલય વચ્ચે ચાલી રહેલી મીટિંગો બાદ આવકવેરા અને જીએસટી વચ્ચે બ્રિજ બનાવવામાં આવશે, અને બંને વિભાગોના ઉચ્ચ અધિકારીઓ શંકાસ્પદ રજીસ્ટ્રેશન નંબરોની ચકાસણી કરી શકશે.

ઇન્કમટેક્સના રિટર્ન ફાઇલ કરવામાં આધારકાર્ડ અને પાનકાર્ડનું લિન્કઅપ અગાઉથી જ કરવામાં આવેલું છે. જીએસટી રજીસ્ટ્રેશનમાં પણ આ બંને દસ્તાવેજોની આવશ્યક્તાઓ રહે છે. તથા બેંક એકાઉન્ટમાં પણ પાનકાર્ડ-આધારકાર્ડ આપવાના હોય છે. તેથી આવકવેરા વિભાગના અને જીએસટીના મહત્વપૂર્ણ સોફ્ટવેર વચ્ચે એક બ્રિજ બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. જેના વડે જીએસટીના અધિકારીઓ આવકવેરા વિભાગમાં ચોક્કસ વ્યક્તિ અથવા વ્યાપારી પેઢીએ રજૂ કરેલા આવકવેરાના રિટર્નની વિગતો મુજબ જીએસટીમાં ખરીદ વેચાણ છે કે કેમ, તેની ચકાસણી આસાનીથી કરી શકશે. તેવી જ રીતે જીએસટીમાં ખરીદી-વેચાણ દર્શાવેલા હોય અને તે મુજબ આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવામાં આવ્યુ ન હોય તો તેની પણ હવે ચકાસણી કરી શકાશે.

ઉપરાંત, જીએસટી અને આવકવેરાના અધિકારીઓને જે વ્યક્તિઓ, પેઢીઓ પર શંકા લાગે તેના બેંક ખાતાની વિગતો પણ ઓનલાઇન ચકાસણી કરી શકાય તે દિશામાં કોમ્પ્યુટર વ્યવસ્થામાં જરૂરી સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. જીએસટી વિભાગ એક જ ટ્રક નંબર વડે દેશના જુદા જુદા રાજ્યોમાં એક જ દિવસે ઇ-વે બિલ બની રહ્યા હોવાની દિશામાં ચકાસણી કરી રહ્યું છે. ઇ-વે બિલમાં આવી રીતે ખોટું કરી અને સરકારી કરવેરાને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. હાલ આવકવેરા, જીએસટી અને બેંકોના સોફ્ટવેર જુદા જુદા હોય છે, પરંતુ આ તમામની વચ્ચે ચોક્કસ વિગતો મર્યાદિત લોકો નિહાળી શકે તેના માટેની સવલતો ઉભી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...