ધરપકડ:શહેરના મસ્તરામ બાપા મંદિર પાસે અકસ્માત સર્જનાર યુવક ઝડપાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગઈકાલે સાંજે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો
  • એક્ટિવાને અડફેટે લીધાં બાદ ગભરાયો અને ભાગવા જતાં રિક્ષા અને એક પ્રાંતિયને અડફેટે લીધાં હતા

ગઈકાલે સાંજના સમયે મસ્તરામ બાપા મંદિર પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં એક્ટિવા ચાલકનું મોત થયું હતું. જ્યારે રિક્ષાચાલક તથા એક પરપ્રાંતિયને ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં ફરાર કાર ચાલકને પોલીસે ઝડપી લીધો છે.મસ્તરામ બાપા મંદિર પાસે પુરપાટ ઝડપે આવેલી જીજે-05-સીજી-6013 નંબરની કારે એક્ટિવા ચાલકને અડફેટે લીધાં બાદ રિક્ષાને ટલ્લો માર્યો હતો. જેમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચ્યાનો બનાવ બન્યો હતો. જેમાં એક્ટિવા ચાલક મુકેશભાઈ દિનેશભાઈ વંકાણી (ઉ.વ.45)નું મોત થયું હતું.

જ્યારે રિક્ષાચાલક વિજયભાઈ આણંદભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા પોલીસે કારચાલક રાહુલ મનસુખભાઈ લકુમ (ઉ.વ.30, રહે. પ્રેમપ્રકાશ સોસાયટી, ફુલસર)ને ઝડપી લીધો છે.

પુછપરછમાં આ યુવકે પોલીસને જણાવ્યું હતું કે, મસ્તરામબાપા મંદિર પાસે એક્ટિવા ચાલકને અડફેટે લીધાં બાદ તે ગભરાઈ ગયો હતો અને તેણે ગાડીની સ્પીડ વધારતા રિક્ષાને ઠોકી જે ઉઠળીને જેસીબીની માથે પટકાઈ, જેથી તેણે ત્યાંથી ગાડી ભગાવી આ દરમિયાન એક પરપ્રાંતિય પણ કાર અડફેટે આવ્યો હતો. જેકે તેને કોઈ મોટી ઈજા પહોંચી નહોતી. કારચાલક ત્યાંથી ચિત્રા જીઆઈડીસી તરફ ગયો અને અહીં કાર બંધ પડી જતાં તે કારને ત્યાં જ મુકીને ચાલ્યો ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...