શિપબ્રેકિંગ:અલંગમાં ભંગાયેલા જહાજના પાર્ટ્સ અન્ય શિપને જીવંત રાખવા માટે મહત્વપૂર્ણ બને છે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્પેર પાર્ટ્સ ચાલુ શિપમાં ઉપયોગમાં લેવાય છે : શિપબ્રેકિંગ સંલગ્ન મશીનરી ઇન્ડસ્ટ્રીઝ મહત્વની, દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ રળી આપે છે

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જહાજોમાં મુખ્યત્વે, એટલે કે 88ટકા જેટલું લોખંડ-સ્ક્રેપ હોય છે, પરંતુ લોખંડ સિવાય જહાજના મેઇન એન્જીન, જનરેટર, નેવિગેશન આઇટમો, ફર્નિચર, પંખો, શાફ્ટ, પિસ્ટન, વાલ્વ, પિસ્ટન રિંગો, ટર્બો, કમ્પ્રેસર સહિતના પાર્ટ્સ નિકળે છે, જેમાંથી મોટાભાગના સ્પેર્સ-પાર્ટ્સને રીકન્ડિશન્ડ કરી ભારતમાં અને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

અલંગ શિપ મશિનરી એસોસિએશનના સેક્રેટરી અને માલવી મરિનના ઇરફાનભાઇ માલવીના મતે, દરિયામાં ચાલુ જહાજને ખોટકો આવે ત્યારે તેમાં આવશ્યક પાર્ટ્સ નવો લેવા જાય તો મોંઘો, અને સમય માંગી લે તેવું હોય છે, જ્યારે અલંગમાંથી ઓરિજનલ, રીકન્ડિશન્ડ પાર્ટ્સ ઓછા સમયમાં અને ઓછી કિંમતે મળી રહે છે. MICS ઇમ્પેક્સના નયનભાઇ શાહના મતે, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ વડે શિપ મશિનરી ઉદ્યોગ નવી ઉંચાઇ પર પહોંચ્યો છે. અલંગમાં ભંગાયેલા જહાજની મશિનરી ચાલુ શિપ માટે મહત્વપૂર્ણ બને છે.

અલંગની શિપ મશિનરીના વ્યવસાયમાં નાના-મોટા 400 વેપારીઓ સંકળાયેલા છે, અને દિલ્હી, મુંબઇથી પણ વેપારીઓ આ વ્યવસાયમાં સામેલ છે. જહાજ બીચ થઇ ગયા બાદ સંબંધિત શિપ મશિનરીની વિગતોના આધારે સ્પેર પાર્ટ્સ ખરીદનારા લોકો આગળ આવે છે. પાર્ટ્સને હરાજીથી વેચવામાં આવે છે, અને ખરીદનાર પેઢીઓ પોતાના યાર્ડમાં આવા પાર્ટ્સ જો વપરાયેલા હોય તો તેને રીકન્ડિશન્ડ કરે છે. નિષ્ણાંત લોકો તેને ખોલી, ઓવર-ઓઇલિંગ, નાની મરામત કરી અને પુન:કાર્યાન્વિત કરે છે. આ વ્યવસાય ભારતને કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ પણ રળી આપે છે.

શિપ માલીકોને સસ્તા ભાવે, ઝડપી માલ મળે છે
જે જહાજ દરિયામાં જળમુસાફરી ખેડી રહ્યા હોય છે તેમાં ક્યારેક ને ક્યારેક યાંત્રિક ખોટકો તો સર્જાય જ છે. આવી ખામી દૂર કરવા નવા પાર્ટ્સ માટે જહાજ માલીકોએ 6 મહિના જેટલા સમયની રાહ જોવી પડે છે, તે દરિયામાં ઉભા હોય તેવા જહાજને પોસાય નહીં, આવા સમયે સ્પેર પાર્ટ્સ અલંગમાંથી સસ્તા દરે મળી રહે છે. -રમેશભાઇ દોશી, પ્રમુખ, અલંગ શિપ મશિનરી એસો.

અન્ય સમાચારો પણ છે...