સુવિધા:ભાવનગરમાં સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલનું કામ પૂર્ણ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સર ટી. હોસ્પિટલમાં માળખાગત અને સાધનો સહિતનું કામ પૂર્ણતાના આરે, હવે માનવબળ માટે મંજુરીની રાહ
  • પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના નીચે નિષ્ણાંત ડોકટરો, અદ્યતન સાધનો અને કેટલેબ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ફેઈઝ-4માં ભાવનગર અને સુરતને સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પીએમએસવાય યોજના નીચે ભાવનગરમાં આ હોસ્પિટલનું કાર્ય પૂર્ણ થયેલ છે અને માનવબળનું કાર્ય પૂર્ણ થયેલ છે અને માનવબળનું રાજ્ય સરકાર દ્વારા બજેટ ફાળવવામાં આવ્યા બાદ ટૂંક સમયમાં આ હોસ્પિટલ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં જ કાર્યરત થશે. જેને કારણે અદ્યતન કેથલેબ સહિતની સુવિધાઓ પણ ભાવનગરની આ સરકારી હોસ્પિટલમાં શરૂ થશે.

કેન્દ્ર સરકાર દ્વારા 60 ટકા અને રા્જય સરકાર દ્વારા 40 ટકાના બજેટ સાથેનો આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં હાલ સુપર સ્પેશયાલિસ્ટ સર્જનોની 8માંથી 5 જગ્યા પર અન્ય ખાનગી હોસ્પિટલમાંથી ડોકટરો આવી સેવા પુરી પાડે છે. પણ ગંભીર બિમારીમાં સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ કાર્યરત થયા બાદ વધુ સારી સેવા મળી રહેશે.

આ માટે ભૂમીગત અને માળખાકીય અને મશીનરીની સુવિધા માટેનું મોટાભાગનું કામ પૂર્ણ થયું છે. હવે સભ્ય સરકારી નિષ્ણાંત ડોકટરો અને કર્મચારીઓની ભરતી માટે મંજુરી આપે ત્યારબાદ લોકોને આ સુવિધાનો લાભ મળતો થશે.

ભાવનગરમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારના દર્દીઓ માટે એક માત્ર સર તખ્તસિંહજી હોસ્પિટલ છે તેમાં હવે સુપર સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ કાર્યરત થતા ભાવનગર ઉપરાંત બોટાદ અને અમરેલી જિલ્લાના દર્દીઓને ગંભીર રોગોની સારવાર માટે અમદાવાદ કે રાજકોટને બદલે ભાવનગરમાં જ નિષ્ણાંત તબીબોની સારવાર મળી રહેશે તેમજ ઓપરેશનની જરૂર હશે તો પણ ભાવનગરમાં સ્થાનિક હોસ્પિટલમાં જ ઓપરેશન થઈ જશે જેથી બહારગામ જવાનો ખર્ચ અને સમય બન્ને બચી જશે તેમજ ઘરઆંગણે નિષ્ણાત તબીબોની સારવાર શકય બનશે.

આ હોસ્પિટલમાં આ ખાસ સુવિધાઓ હશે

  • અદ્યતન MRI મશીન
  • 128 સ્લોટનું સીટીસ્કેન મશીન
  • કેથલેબ
  • અદ્યતન ઓપરેશન થિયેટર
  • હીમો ડાયાિલસીસ વોર્ડ

ઓર્ગન ટ્રાન્સફરની સુવિધા પણ મળશે
અંગદાન અને દેહદાનની પ્રવૃત્તિમાં ભાવનગર અગ્રેસર રહ્યું છે. પણ અંગદાન એટલે કે ઓર્ગન ટ્રાન્સફરની પ્રક્રિયા માટે ગ્રીન કોરીડોર રચી અંગને અન્ય શહેરોમાં મોકલવું પડે છે. સુપર સ્પેશીયાલીસ્ટ પ્રોજેક્ટ નીચે અદ્યતન ઓપરેશન થિયેટર અને અન્ય સાધનો તથા નિષ્ણાંત ડોકટરોને કારણે ભવિષ્યમાં આ પ્રક્રિયા ભાવનગરમાં જ થઈ શકશે. ભાવનગરમાં આ સુવિધા મળતા અનેક લોકોને નવું જીવન બક્ષવામાં નિમિત્ત બનશે.

ત્રણ જિલ્લાના દર્દીઓને લાભ મળશે
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સુપર સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ બનશે તેનો ભાવનગર-અમરેલી અને બોટાદ જિલ્લાના દર્દીઓને લાભ મળશે અન્ય જિલ્લામાંથી પણ દર્દીઓ ભાવનગરમાં આવે છે. ભાવનગર સરટી. હોસ્પિટલમાં જ આ સુપર સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ કાર્યરત થનાર છે. > ડો.જયેશ બ્રહ્મભટ્ટ, અધિક્ષક, સર ટી. હોસ્પિટલ, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...