નવા તળાવની દુર્દશા:નારીના વિકસીત તળાવ અને 25 કુવાઓનું પાણી લાલ થયું

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2000ચો.મી. વિસ્તારમાં બનેલા નવા તળાવની દુર્દશા: ફેક્ટરીઓ જવાબદાર
  • મહિલા કોર્પોરેટરે વંડી પર ચડી ફોટો પાડી તંત્રને આપ્યા
  • પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ભ્રષ્ટ નીતિથી નારીના ગ્રામ્યજનોનું જીવતર દોઝખ બની ગયું

મહાનગરપાલિકાનો વિસ્તાર નારી ગામના તળાવને તાજેતરમાં જ કરોડો રૂપિયાનો ખર્ચ કરી ડેવલોપ કરવામાં આવ્યું પરંતુ ચિત્રા જીઆઇડીસીની ફેક્ટરીઓમાંથી કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાતા તળાવનું પાણી પ્રદૂષિત થઈ ગયું છે. એટલું જ નહિ આસપાસના 25થી 30 કુવાનું પાણી પણ પીવાલાયક રહ્યું નથી. કેમિકલયુક્ત પાણીને કારણે લોકોના આરોગ્ય પર પણ મોટો ખતરો ઉભો થવાની ભીતિ સર્જાઇ છે. કોર્પોરેટર હિરાબેને વંડી પર ચડીને ફોટા પાડીને તંત્રને આપ્યા હતા.

કોર્પોરેશનમાં નારી ગામ ભળ્યા બાદ રૂ.2.25 કરોડના ખર્ચે 12000 ચોરસ મીટર વિસ્તારમાં નારી ગામના તળાવનું ડેવલોપમેન્ટ કરાયું છે. જેને કારણે આસપાસના વિસ્તારમાં કુવા, બોરના તળ પણ સુધર્યા છે. અને ફરવા લાયક સ્થળ તરીકે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરંતુ વિશ્વકર્મા જીઆઇડીસી ચિત્રામાં આવેલી જીન્સની ફેકટરીમાંથી કેમિકલયુક્ત પાણી તળાવમાં છોડાતા તળાવનું સ્વચ્છ પાણી પણ દૂષિત થઈ ગયું છે. તદુપરાંત આજુબાજુની જમીનની ફળદ્રુપતા ઘટી ખેતીલાયક જમીન રહેતી નથી. રહેણાંક વિસ્તારમાં પણ કુવા બોરના પાણી ખરાબ થઈ ગયા છે અને પીવાલાયક રહ્યાં નથી. તળાવ નજીકના ખેતરોમાં અંદાજિત 25 થી 30 કુવાના પાણી પણ પ્રદૂષિત થઈ ગયા છે.

નારે ગામના લોકોના આરોગ્ય પર મોટો ખતરો ઉભો થયો છે. છતાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તાત્કાલિક કાર્યવાહી કરવાને બદલે કાગળ પર કાર્યવાહી કરી રહ્યું છે. ભૂતકાળમાં તળાવમાં પ્રદુષિત પાણી છોડવાના બનાવ બન્યા છે અને જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરી નથી તે વાસ્તવિકતા છે.

નગરસેવક પહોંચતા ફેક્ટરીને તાળા મારી નાસી ગયાં
નારી ગામના તળાવમાં ફેક્ટરીનો કેમિકલયુક્ત પાણી છોડાતા તળાવ તો પ્રદુષિત થયુ પરંતુ આસપાસના કુવાઓ પણ પીવાલાયક નહિ રહેતા ચિત્રા ફુલસર નારી વોર્ડના નગરસેવિકા હિરાબેન વિનોદભાઈ કુકડિયા જ્યાંથી પ્રદૂષિત પાણી છોડાતું હતું તે ફેક્ટરીમાં જઈ પહોંચતાં ફેક્ટરીના લોકો તાત્કાલિક તાળા મારીને નાસી ગયા હતા. છતાં ફેક્ટરીની વંડી પર ચડી ફેક્ટરીમાંથી છોડાતા પ્રદૂષિત પાણી સહિતની ફોટોગ્રાફી કરી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

ટીમ તપાસમાં ગઈ હતી, રિપોર્ટ આવ્યે કાર્યવાહી
નારી ગામના તળાવમાં વિશ્વકર્મા જીઆઇડીસીની ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત પાણી છોડ આવતી હોવાની ફરિયાદ અને મ્યુનિસિપલ કમિશનરના રેફરન્સથી પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ સ્થળ પર તપાસ માટે ગઈ હતી. ટીમ દ્વારા સેમ્પલ પર લેવાયેલા છે. અમારી કક્ષાએ કાર્યવાહી કરાયેલી છે. રિપોર્ટ બાદ ગાંધીનગર હેડ ઓફિસથી સુચના મુજબ પગલાં ભરાશે. > અશોક ઓઝા, પ્રાંત અધિકારી, જીપીસીબી

અન્ય સમાચારો પણ છે...