રક્ષાબંધનના તહેવારની તૈયારીઓ શરૂ:ભાવનગરના અંધ ઉધોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ગણપતિ, મોર, ઓમ આકાર સહિતની અવનવી પેટર્ન વાળી રાખડીઓ બનાવી

ભાવનગર3 મહિનો પહેલા
  • રૂ.5 થી 30 સુધીની કિંમતની કલાત્મક રાખડીઓ તજજ્ઞના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવી
  • સંસ્થામાં તહેવારો મુજબ વિવિધ વસ્તુઓ પોતાના હસ્તે બનાવવાનું શીખવાડવામાં આવે છે

ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી અંધ ઉધોગ શાળા ખાતે પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા આગામી રક્ષાબંધનના તહેવારને લઈને અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર પર્વનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે ભાઈ પોતાની બહેન પાસે રાખડી બંધાવે છે. ભાઈ પોતાની બહેનની રક્ષા માટે પ્રણ લે છે. રક્ષાબંધનનો તહેવાર ભારતમાં ખૂબ ધૂમધામ સાથે મનાવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા તિથીએ મનાવવામાં આવે છે.

અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી
ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી અંધ ઉધોગ શાળા ખાતે પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા આગામી રક્ષાબંધનના તહેવારને લઈને અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં ગણપતિ, મોર, ઓમ આકાર, ચેક્સ તથા ચોરસ સહિતની અવનવી પેટર્ન વાળી રાખડીઓ વિદ્યાર્થીનીઓ બનાવી રહી છે, અંધ ઉધોગ શાળા ખાતે એવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે જે નોર્મલ નથી હોતા અને આ વિદ્યાર્થીઓને એક વર્ષથી 18 વર્ષ સુધી શાળા ખાતે વિનામૂલ્યે અભ્યાસ સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે છે. બાળકોની શાળા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા તહેવારો મુજબ વિવિધ વસ્તુઓ પોતાના હસ્તે બનાવવાનું શીખવાડવામાં આવે છે.

અનેક હેન્ડીક્રાફટની ચીજવસ્તુઓ પણ બનાવી
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગરનાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા અનેક હેન્ડીક્રાફટની ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે જેમાં માટીનાં ગરબા, કોડિયા, તોરણ, મીણબત્તી, અગરબત્તી ઉપરાંત ચાલુ વર્ષે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા રૂ.5 થી 30 સુધીની કિંમતની કલાત્મક રાખડીઓ તજજ્ઞના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવી છે. રાખડી બનાવવા માટે અલગ અલગ મટીરીયલ જેમાં પેન્ડલ, દોરી, મોતી વગેરે જુદા જુદા સ્થળેથી એકત્ર કરી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ રાખડી બનાવે છે. રાખડી બનાવવાનો હેતુ ભવિષ્યમાં પોતે પગભર થઇ સમાજમાં પ્રસ્થાપિત થઇ શકે તેવો છે.

અંધ ઉધોગ શાળાના જનરલ સેક્રેટરીએ જહેમત ઉઠાવી
આ એવા બાળકો હોય છે કે જે પોતાની જાતે પોતાના શારીરિક કામો પણ કરી શકતા નથી. આવા બાળકોના માતા-પિતાને એક ચિંતા પણ ઉભી રહેતી હોય છે કે તેનું બાળક નોર્મલ નથી ત્યારે આ માતા-પિતા નહીં હોય ત્યારે બાળકને કોણ સાચવશે અને તેનો બાળક કેવી રીતે આ દુનિયાની વચ્ચે રહી શકશે. ત્યારે આ બાળકોને સંપૂર્ણપણે ટ્રેનિંગ આપી અને સમાજને ઉપયોગી થઇ શકે તેવી ચીજવસ્તુઓ બનાવવા માટે અંધ ઉધોગ શાળાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી જહેમત ઉઠાવી રહ્યા છે.

હાલમાં જ આવી રહેલા રક્ષાબંધનના તહેવારને લઈને આ વિદ્યાર્થીઓ દ્વારા અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ એક પ્રકારે કોઈપણ કામગીરી કરવામાં સક્ષમ નથી તેવા વિદ્યાર્થીઓ દ્વારા કલાત્મક રાખડીઓ બનાવી અને તૈયાર કરવામાં આવે છે ત્યારે આ રાખડીને પણ ભાવેણાવાસીઓ ખરીદી અને બાળકોને પ્રોત્સાહિત કરે છે. રાખડીઓ ખરીદવા માટે વિદ્યાનગર ખાતે આવેલા કૃષણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ બહારગામ માટે ઓર્ડર પણ લેવામાં આવે છે. કુરિયર દ્વારા પણ સંસ્થા મોકલી આપશે.

અન્ય સમાચારો પણ છે...