તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:અકવાડા લેઇકમાં દારૂની બોટલ સાથેનો વિડિયો વાયરલ થયો : તંત્ર દોડતું થયું

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ બબાલ થતાં બે કર્મચારીને કાઢી મુક્યા હતાં
  • વિડિયોમાં કોર્પોરેશનના કર્મચારી પણ દેખાતા અનેક શંકા કુશંકા

શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા અકવાડા લેઈકમાં દારૂની મહેફિલ જામી હોય તેવો વિડિયો વાયરલ થતાં અનેક શંકાઓ સાથે ચકચાર મચી છે. અને તંત્ર વાહકો પણ તેની તપાસ હાથ ધરી છે. પરંતુ અકવાડા લેઇકના ટીકીટ રૂમમાં દારૂની બોટલ હોવાનું તો વિડિયોમાં પણ સ્પષ્ટ દર્શાઈ રહ્યું છે ત્યારે કોર્પોરેશન દ્વારા તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલા ભરે તે જરૂરી બન્યું છે. કોર્પોરેશન માટે નવા બનેલા ગાર્ડન અને પાર્ક આવકના નવા સ્ત્રોત બન્યા છે.

અકવાડા લેઇકમાં પણ લોકોની ભારે ભીડ જામે છે. ત્યારે અકવાડા લેઇકના ટીકીટ રૂમમાં દારૂની બોટલ સાથે અમુક શખ્સો અને કોર્પોરેશનનો કર્મચારીનો વિડિયો વાયરલ થયો છે. જેને લઈ અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. કોર્પોરેશનના ઈન્સ્પેક્ટર કક્ષાના કર્મચારીની હાજરીમાં ટિકિટ રૂમમાં દારૂની બોટલ સાથેનો વિડિયો વાયરલ થતાં તંત્ર વાહકોએ પણ તપાસ હાથ ધરી છે. હાલમાં આઉટ સોર્સીંગથી મેન પાવર દ્રષ્ટિ ફેડરેશન દ્વારા પુરા પાડવામાં આવે છે જ્યારે સિક્યુરિટીનો ગૌતમ સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ છે.

વિડિયો વાયરલમાં આંતરિક રાગદ્રેશને કારણે બદનામ કરવાનું પણ કાવત્રુ હોવાની પાલિકા વર્તુળોમાં ચર્ચા જાગી છે. અગાઉ પણ અકવાડા લેઈકમાં આઉટ સોર્સના માણસોમાં બબાલ થતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જોકે, તત્કાલીન સમયે બન્નેને ફરજ પરથી દૂર પણ કરાયા હતાં.

આંતરિક રાગદ્વેશ હોય કે અન્ય કારણ હોય પરંતુ વિડિયોમાં કોર્પોરેશનનો કર્મચારી અને તેની હાજરીમાં દારૂની બોટલની વાસ્તવિકતાને નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, આઉટ સોર્સીંગથી મેન પાવરની એજન્સીની સંતોષકારણ કામગીરીને કારણે તેને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવાની પણ ગતિવિધિઓ કોર્પોરેશનમાં ચાલી રહી છે ત્યારે આ પ્રકારના વિડિયો વાયરલ થતાં અનેક શંકા ઉપજાવે છે.

તપાસ શરૂ છે, જવાબદાર સામે કાર્યવાહી થશે
અકવાડા લેઈક અને અન્ય કોઈ સ્થળની આજ સુધી કોઇ ફરિયાદ આવી નથી. આઉટ સોર્સ સહિતના કર્મચારીઓની કામગીરી સંતોષકારક છે. વિડિયો જોતા કોઈ જાણી જોઈને ઉભો કરેલો દેખાય છે. પરંતુ અમે અમારી રીતે તપાસ શરૂ કરી છે. જે કોઈ જવાબદાર હશે તેની સામે ચોક્કસ કાર્યવાહી થશે.> વિજય પંડિત, સીટી એન્જિનિયર

અન્ય સમાચારો પણ છે...