વિવાદ:ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓની ખેંચતાણમાં પૂર્વનુ કોકડું વધુ ગુંચવાયું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્ઞાતિના સમીકરણો સાથે સક્ષમ કે સારા નહીં પરંતુ મારાને પ્રાધાન્ય અપાતા વિવાદ
  • મનસુખભાઈ માંડવીયા, પાટીલ, પુરુષોત્તમ રૂપાલા સહિતના પણ ઉમેદવારની ભલામણ માટે મેદાનમાં

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પૈકી ભાજપ દ્વારા એકમાત્ર ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ભારે વિવાદને કારણે ઉમેદવાર જાહેર કરી શક્યા નથી. પૂર્વ બેઠક પર સ્થાનિક કક્ષાએ તો વિવાદ હતો જ પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ પણ નેતાઓમાં ઉમેદવારને લઈ ખેચતાણ ચાલી રહી છે. એક તરફ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તો બીજી તરફ પ્રદેશ ભાજપનું સંગઠન છે. બંને જૂથની હૂંસાતૂસીમાં ભાવનગર પૂર્વની બેઠક પર ઉમેદવારનો નિર્ણય થઈ શક્યો નથી. કદાચિત આજે રાત્રે ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર લાગે તેવી શક્યતા છે.

ચૂંટણીમાં ઉમેદવારોની સક્ષમતા કે લાયકાત જોવાને બદલે રાજકીય પક્ષો દ્વારા જ્ઞાતિનું સમીકરણ અને પોતાના માનિતને પ્રાધાન્ય આપવામાં આવે છે. આવા વિવાદને કારણે જ ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરી શકાતો નથી. ભાવનગર પૂર્વ બેઠક પર નિરીક્ષકો સમક્ષ પણ સીટીંગ ધારાસભ્યની વિરુદ્ધમાં રજૂઆતો થઈ હતી. અને તમામ બેઠકો પૈકી સૌથી વધુ દાવેદારો પણ પૂર્વ બેઠક પર જ ઉભા થયા હતા. જેને કારણે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતથી જ ભાવનગર પૂર્વની બેઠક વિવાદમાં ફસાયેલી છે.

ભાજપ દ્વારા સાત વિધાનસભા બેઠકો પૈકી છ બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપના કથિત નિર્ણય મુજબ મહાનગરપાલિકાની એક બેઠક પર મહિલા ઉમેદવારની શક્યતા વધુ છે. જેથી બ્રહ્મ સમાજની ભાજપની મહિલા આગેવાનો દ્વારા ભાવનગર પૂર્વ બેઠક પર વધુ દાવેદારી કરેલી છે. જ્યારે સંઘ અને પ્રદેશ ભાજપ સંગઠન પુરુષ ઉમેદવાર માટે પણ તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ વચ્ચે પોતાના માનીતા ઉમેદવારોને ટિકિટ આપવા ભારે ખેંચતાણ ચાલી રહી છે. પુરુષ ઉમેદવારોમાં ધવલ દવેનું પણ નામ ચર્ચામાં છે. પોતાના માનિતા ઉમેદવાર સંદર્ભે કોઈ બાંધછોડ નહીં કરતા કોકડું ગૂંચવાયેલું છે.

માંડવીયાના પી.એ.ના પત્ની માટે ભારે દબાણ
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકમાં બ્રહ્મ સમાજમાંથી મહિલા ઉમેદવારની ભાજપ દ્વારા પસંદગી કરવાની પૂરી શક્યતા સાથે અન્ય મહિલા આગેવાનો ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના પી.એ.ના પત્ની ધર્મિષ્ઠાબેન દવે ત્રિવેદી પર પસંદગી ઉતારવા ભારે દબાણ હોવાને કારણે પણ ઉમેદવાર જાહેર કરવાનુ કોકડું વધુ ગૂંચવાયેલું હોવાનું ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.

ભાજપ પ્રમુખના પત્ની માટે ભલામણ
ભાવનગર પૂર્વ વિધાનસભાનું કોકડું ગુંચવાયેલું છે ત્યારે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓની ખેંચતાણમાં વચલા માર્ગ તરીકે સીટિંગ ધારાસભ્ય અથવા તો સીટિંગ ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા ભાવનગર શહેર ભાજપના પ્રમુખ રાજીવભાઈ પંડ્યાના પત્ની સેજલબેન પંડ્યાની પણ ભલામણ કરવામાં આવી છે. જેથી હાલમાં સેજલબેનનું નામ પણ ઉમેદવાર તરીકે ચર્ચામાં છે.

વણિક અને કોળી સમાજમાંથી માંગણી
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના ઉમેદવારનું કોકડું ગૂંચવાયેલુ છે ત્યારે બ્રહ્મ સમાજના દાવેદારો સાથે વણિક સમાજ અને કોળી સમાજમાંથી પણ ઉમેદવારોની પસંદગી કરવા ભાજપના નેતાઓની ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વણિક સમાજમાંથી ઉમેદવારની પસંદગી માટે છેક રાષ્ટ્રીય નેતા સુધી ભલામણ કરાય છે જ્યારે પૂર્વ વિધાનસભામાં કોળી સમાજના મતદારો વધુ હોવા સાથે ગત ટર્મમાં કોંગ્રેસ દ્વારા કોળી મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાથી ભાજપના નેતાઓ દ્વારા કોળી સમાજના મહિલા ઉમેદવાર પર ભાર મુકાયો હોવાનું ભાજપના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...