ગોકળગતિએ થતું રસ્તાનું કામ:હાદાનગર વિસ્તારમાં નવો રોડ બનાવવાનું કામ ખોરંભે ચડતા સ્થાનિક લોકોની પરેશાની વધી

ભાવનગર14 દિવસ પહેલા
  • પીવાના પાણીની લાઈનમાં ડ્રેનેજ લાઈન ભળી જતાં દૂષિત પાણી થી રોગચાળો ફેલાયો, તંત્રના આંખ આડા કાન

ભાવનગર શહેરના પશ્ચિમ ભાગ પરા વિસ્તારમાં આવેલ હાદાનગર સ્થિત સર્વોદય સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી રોડ નવનિર્માણની મંદ ગતિએ કામગીરી ચાલી રહી હોવાનાં કારણે આ વિસ્તારના રહીશોને ભારે તકલીફો વેઠવી પડી રહી છે.

ડ્રેનેજ કે વોટર વર્કસ વિભાગ દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવે
ભાવનગર મહાનગરપાલિકામાં રોડ, ડ્રેનેજ કે વોટર વર્કસ વિભાગ દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવે છે. ત્યારે આંતરિક સંકલનનો સદંતર અભાવ જોવા મળે છે. જેને પગલે લોક સુવિધા માટે શરૂ કરવામાં આવેલ નિર્માણ કાર્ય લોકો માટે ભારે ત્રાસદાયક સાબિત થાય છે. આવું જ કંઈક હાલમાં શહેરના હાદાનગર વિસ્તારમાં જોવા મળી રહ્યું છે.

છેલ્લા પંદર દિવસથી કામગીરી બંધ કરવામાં આવી છે
બીએમસીના રોડ વિભાગ દ્વારા સર્વોદય સોસયટીમા નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ વર્તમાન ચોમાસાનો વિચાર કર્યાં વિના કામગીરી શરૂ કરી તત્કાળ નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનાં બદલે છેલ્લા પંદર દિવસથી કામગીરી બંધ કરવામાં આવી છે. પરિણામે રોડ બનાવવા ખોદેલ માર્ગ પર ઠેરઠેર વરસાદી પાણીનો ભરાવો થવો, ભૂગર્ભ સ્થિત પીવાના પાણીની લાઈનમાં ડ્રેનેજ લાઈન ભળી જવી, સાથે ખોદેલા રોડને કારણે કાદવ-કીચડનુ સામ્રાજ્ય છવાયું છે,

તાત્કાલિક ધોરણે રોડ બનાવવા સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી
લોકોને વાહન સાથે તો દૂર પરંતુ પગપાળા પસાર થવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે એક તરફ ચોમાસાનો માહોલ સાથે પીવાના પાણીની લાઈનમાં ડ્રેનેજ લાઈન ભળી જતાં આ વિસ્તારમાં દુષિત પાણીથી રોગચાળો ફેલાયો છે. ખોદેલા રોડને પગલે દરરોજ નાનાં મોટાં અકસ્માત સર્જાઈ રહ્યાં છે આથી સ્થાનિકો આ અંગે સત્વરે ઘટતી કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...