આજે ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક માટેના પરિણામ જાહેર થયા તેમાં છેલ્લી ચાર ચૂંટણીની જેમ આ વખતે પાંચમી ચૂંટણીમાં પણ ભાજપે જિલ્લામાં એક બેઠક ગુમાવી બાકીની તમામ બેઠકો પર કેસરિયો લહેરાવ્યો છે. તો સામા પક્ષે ઇ.સ.2002ની ચૂંટણીથી શરૂ થયેલી ભાવનગર જિલ્લામાં એક જ બેઠક મેળવવાની પરંપરા વિપક્ષે જાળવી છે અને આ વખતે ગારિયાધારની બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. જે આમ આદમી પાર્ટી માટે પણ ભાવનગર જિલ્લામાં વિધાનસભા બેઠક જીતવાનો પ્રથમ મોકો છે.
આજે મત ગણતરી હતી ત્યારે રાજકીય વિશ્લેષકોની નજર 2022ની ચુંટણીના પરિણામ પર વિશેષ એ હતી કે 21મી સદીમાં વિપક્ષે પોતાના પક્ષ માટે એક અણગમતો રેકર્ડ કરેલો છે અને તે એ છે કે 2002થી શરૂ થઇને આજ સુધી જે પાંચ વિધાનસભા ચૂંટણી યોજાઇ તેમાં ભાવનગર જિલ્લામાં વિપક્ષે એકથી વધુ બેઠક મળી નથી. તેમા કોઇ પરિવર્તન આવે છે કે નહીં ? પણ કોઇ પરિવર્તન આવ્યું નથી હા, વિપક્ષમાં પરિવર્તન એ છે કે કોંગ્રેસનો ભાવનગર જિલ્લામાં સાફ સફાયો થઇ ગયો છે અને આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે.
અગાઉ 2012ની ચૂંટણી સુધી ભાવનગર જિલ્લામાં બોટાદ અને ગઢડા બન્ને મળીને કુલ 9 બેઠક હતી છતાં પરિણામમાં એ જ પુનરાવર્તન રહ્યું હતુ. હવે જ્યારે કોંગ્રેસને મતોની ટકાવારી વધતી જાય છે. ઇ.સ.2007થી તો કોંગ્રેસના મતોની ટકાવારીમાં વધારો થતો જાય હતો છતાં 1 બેઠકથી વધુ જીતી શક્યા ન હતા તે હકીકત છે.ભાવનગર જિલ્લામાં ઈ.સ.2002, ઈ.સ.2007, ઇ.સ. 2012 ઈ.સ.2017 અને આજની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષ ભાવનગર જિલ્લામાં કુલ બેઠકોમાંથી એકથી વધુ બેઠક મેળવી શક્યા નથી.
અગાઉ બોટાદ અને ગઢડા જ્યારે ભાવનગર જિલ્લામાં હતા ત્યારે 2002થી 2012 સુધીની કુલ 9 પૈકી 8 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે 2017માં કુલ 7 પૈકી 6 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસે એક બેઠક તળાજા પર વિજય મેળવતા કોંગ્રેસને ભાવનગર જિલ્લામાં છેલ્લા ચાર ચૂંટણીથી માત્ર એક બેઠક જીતી સંતોષ મેળવવાની પરંપરા જાળવી રાખી હતી. તો આવ વખતે સતત પાંચમા ચૂંટણી જંગમાં તો કોંગ્રેસે સાવ પરાજયનો સામનો કરાવો પડ્યો છે અને 7 પૈકી એકેય બેઠક તેના ખાતામાં આવી નથી.
2002થી વિપક્ષમાં કોણ કોણ વિરલા જીત્યા ?
ઈ.સ.2002ની ચૂંટણીમાં કુલ 9માંથી કોંગ્રેસને એક બેઠક ગઢડાની મળી હતી અને પ્રવિણભાઈ મારૂ જીત્યા હતા. તો. ઈ.સ.2007ની ચૂંટણીમાં ભાવનગર દક્ષિણની બેઠક પરથી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ વિજયી થયા હતા જ્યારે 2012ની ચૂંટણીમાં પાલિતાણામાં કોંગ્રેસના પ્રવિણભાઈ રાઠોડે વિજય મેળવેલો જ્યારે 2017માં યોજાઇ તેમાં તળાજામાં કનુભાઇ બારૈયાએ જીતી ભાવનગર જિલ્લામાં કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતુ. જો કે આ વખતે આમ આદમી પાર્ટીના સુધીરભાઇ વાઘાણી જીતતા કોંગ્રેસનું અસ્તિત્વ ભાવનગર જિલ્લામાં આ ચૂંટણીમાં ભુંસાઇ ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.