ભાવનગર શહેરની આગવી ઓળખ સમાન ગાંધીસ્મૃતિ અને સરદાર સ્મૃતિની ઐતહાસિક ઇમારતોની બરાબર મધ્યમાં ક્રેસંટ સર્કલ આવેલું છે. આ સર્કલની મધ્યમાં ભાવનગરનાં સમયનો પ્રહરી ગણાતો ક્રેસંટ ટાવર છે જે દસકાઓથી દર કલાકે ડંકા વગાડીને નગરજનોને જાગૃત અને પ્રવૃત્ત રાખે છે. આ સર્કલ અનેક વિસ્તારોને જોડનારું સર્કલ છે. ભાવનગર પોતાના કલા, સાહિત્ય અને સંસ્કૃતિનાં વારસા ઉપરાંત ધર્મ, ઇતિહાસ અને ભૌગોલિક સુંદરતાને લીધે પણ વિખ્યાત છે.
ગોહિલવાડનાં પ્રજાવત્સલ રાજવીઓએ ભાવનગરમાં અનેક નમુનેદાર અને કલાત્મક સ્થાપત્યો પ્રજાને ભેટ આપ્યાં છે. જેમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ, બાર્ટન લાયબ્રેરી, મોતીબાગ ટાઉનહોલ, દરબારી કોઠારથી માંડી ચબુતરાઓ સુધીનો ઈતિહાસ આજે પણ ભાવનગરનો વારસો દર્શાવે છે. જૂનું ભાવનગર ગામ, વડવા શેરીઓ માણવાલાયક છે. ભાવનગર શહેરમાં બોરતળાવ, વિકટોરીયા પાર્કથી માંડીને લોકગેટ, કુડા-કોળિયાક, હાથબ અને ગોપનાથનો દરિયા િકનારો ભૌગોલિક સુંદરતામાં નજારારૂપ છે.
ભાગ્યે જ કોઈ શહેર અને તેની આસપાસ માળનાથ ડુંગરમાળથી માંડીને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની વિવિધતાસભર સુંદરતા ઉપલબ્ધ હોય છે. તો શહેરની નજીકમાં પાલિતાણા જેવું જૈનોનું જગવિખ્યાત તીર્થસ્થાન પણ આવેલું છે.
બાગ અને બગીચાઓનું શહેર એટલે ભાવનગર
ભાવનગર શહેર સર્કલો અને બગીચાઓનું શહેર ગણાય છે. જેમાં ક્રેસંટ, મહિલા કોલેજ, ઘોઘાસર્કલ, રૂપાણી, સરદારનગર, શિવાજી સર્કલ, નિલમબાગ સર્કલ જેવા સર્કલો છે. તો હવે તળાવોની ફરતે પિકનીક પોઇન્ટ થવા લાગ્યા છે. બોરતળાવ અને ગંગાજળિયા તળાવને ડેવલપ ર્ક્યા બાદ હવે રવેચી ધામ, પરશુરામ પાર્ક, અકવાડા લેઇક જેવા નવા પ્રોજેક્ટને લીધે નગરજનોને પરિવાર સાથે રજાઓમાં શહેરમાં જ હરવા ફરવાના નવા સ્થળો મળ્યાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.