લાપરવાહી:જર્જરીત મિલ્કતોની જવાબદારી અંગે ખો 125 મિલ્કતોને માત્ર નોટિસો આપી તંત્રએ સંતોષ માની લીધો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક વિસ્તારોનો સર્વે પણ બાકી, અગાઉ ચોમાસામાં મકાનો ધસી પડતા જાનહાનીના બનાવો પણ નોંધાયા છે

આખુ વર્ષ પગ પર પગ ચડાવી બેસી રહેલા કોર્પોરેશનના તંત્રવાહકો દ્વારા ચોમાસું આવે ત્યારે જર્જરિત ભયજનક મિલકતોનો સર્વે અને તેમની સામેની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ 125 જેટલી ભયજનક મિલકતોને નોટિસો આપવામાં આવી છે અને હજુ પણ શહેરના ઘણા વિસ્તારનો સર્વે શરૂ છે. જોકે, હવે લોકોમાં પણ જાગૃતતા આવી છે જેથી 40 જેટલી જર્જરિત મિલકતોને રીપેરીંગ કરાવી ભયમુક્ત કરી છે.

ચોમાસા દરમ્યાન ઘણી ખખડધજ મિલકતો અને મકાનો વરસાદની ઝાપટ ખમી શકતા નથી. જેથી ચોમાસા દરમિયાન દુર્ઘટનાઓ પણ બને છે અને ઘણીવાર જાનહાનિ પણ થાય છે. દર વર્ષે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની જર્જરિત મિલકતોનો સર્વે કરવામાં આવે છે. અને ભયજનક મિલકતોના ભોગવટો કરનારને નોટિસો આપી જર્જરિત મિલકતો અને રીપેરીંગ કરવા અથવા તો જર્જરિત ભાગ ઉતારી લઈ ભયમુક્ત કરવા તાકીદ કરવામાં આવે છે. પરંતુ ઘણા બેદરકાર જર્જરિત મકાનના માલિકો અથવા તો ભાડુઆતો મકાન ભયમુક્ત કરતા નથી.

જ્યારે બીજી તરફ કોર્પોરેશન પણ માત્ર નોટિસો આપી પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ માને છે. જેને કારણે ચોમાસા દરમિયાન મકાનો પડવાની ઘટનાઓ બને છે. આ વર્ષે પણ હજુ સુધી 125 જર્જરિત મકાનોને નોટિસો આપવામાં આવી છે. અને કરચલીયા પરા સહિતના પછાત વિસ્તારોનો તો સર્વે પણ બાકી છે. ગત વર્ષે ભયજનક હોય તેવી 27 મિલકતોને કોર્પોરેશન દ્વારા જ ઉતરાવવામાં આવી હતી. જ્યારે નોટિસ આપ્યા બાદ 40 જેટલી મિલકતોને રીપેરીંગ કરાવી ભયમુક્ત કરવામાં આવી છે.

અગાઉ વડવા, શિશુવિહાર સહિતના વિસ્તારોમાં ચોમાસામાં જર્જરિત મિલકત ધસી પડતા જાનહાની બનાવો પણ નોંધાયા છે ત્યારે અને હવે ચોમાસુ નજીક છે ત્યારે તંત્ર માત્ર નોટિસ આપી બેચાર મકાનો પુરતી કાર્યવાહી કરી સંતોષ માની લે છે તો તંત્રની આ લાપરવાહી જીવલેણ સાબિત થશે.

સિંધુનગરમાં રહિશો ખાલી ન કરતાં લાઇટ જોડ‍ાણ કાપ્યું
કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાનો અને દુકાનો ભયમુક્ત કરવા અથવા ખાલી કરવા માટે વારંવાર તાકીદ કરવા છતાં મિલકત ધારકો ખાલી કરતા નથી. તેવી જ રીતે શહેરના સિંધુનગરમાં ગોપાલ દર્શન ફ્લેટ પણ જર્જરિત થતાં ભયજનક પરિસ્થિતિમાં આવી ગયો હતો. તેને રહીશો અને દુકાનદારો દ્વારા રીપેરીંગ પણ ન કરાવ્યું અને ખાલી પણ નહી કરતા અંતે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા મિલકતનું લાઈટ કનેક્શન કપાવી નાખી 24 ફ્લેટ અને 14 દુકાનને ખાલી કરાવ્યા હતા.

શરૂઆતમાં મકાનના કનેક્શન કાપી નાખવામાં આવે છે
ભયજનક મિલકતોને ભયમુક્ત કરવા શરૂઆતમાં નોટીસ આપ્યા બાદ પણ જો મિલકતના કબ્જેદાર ભયમુક્ત ના કરે તો પ્રથમ તબક્કે મકાન કે કોમર્શિયલ એકમના નળ,ગટર અને લાઇટ કનેક્શન કાપી નાખી રહેવા લાયક ના રહે તેવુ કરવામાં આવે છે ત્યારબાદ કમિશનરની મંજુરી લઈ મકાન માલિકના ખર્ચે અને જોખમે ઉતારવામાં આવે છે. - સુરેશ ગોધવાણી, એસ્ટેટ ઓફીસર, સિટી એન્જિનિયર

અન્ય સમાચારો પણ છે...