ચકચાર:શાળાઓની જર્જરિતતાને હટાવવા તંત્ર દોડતું થયું 7 શાળામાં રિપેરિંગ શરૂ : 4ના ટેન્ડર બહાર પાડ્યા

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેશનની શાળાના જર્જરિત બિલ્ડીંગનો મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ ચગ્યો હતો
  • કોર્પો. દ્વારા 5 લાખથી નીચેની શાળાનું રિપેરિંગ વાર્ષિક ભાવે શરૂ કર્યું, 5 લાખથી વધુ ખર્ચ માટે ટેન્ડર જાહેર

ભાવનગર કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની જર્જરિત શાળાઓનો મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ ચગ્યા બાદ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક રિપેરિંગ માટેની કાર્યવાહી શરૂ કરી હતી અને સાત શાળામાં તો રિપેરિંગ શરૂ કર્યું અને ચાર સ્કુલને રિપેરિંગ માટે ટેન્ડર પણ બહાર પાડ્યા છે. તેમજ અન્ય શાળાના પણ ટેન્ડર તૈયાર થઇ ગયા છે જે આગામી દિવસોમાં બહાર પડાશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના અનેક બિલ્ડીંગો જર્જરિત છે. જેથી બાળકોની પણ સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો હતો. જ્યારે કાળીયાબીડમાં ભાડેની શાળામાં તો બાળકો બહાર ખુલ્લામાં અભ્યાસ કરતા હતાં. જોકે, હાલમાં માત્ર પાળી પધ્ધતિથી ગાડુ દોડાવે છે.

તદુપરાંત અન્ય શાળામાં પણ બાળકોની સંખ્યા પ્રમાણે ઓરડા ઓછા હોવાનું ગત સાધારણ સભામાં જ ખુબ તંત્ર દ્વારા સ્વીકાર કર્યો હતો. આવી પરિસ્થિતિમાં બાળકોના શિક્ષણ પર પણ વિપરીત અસર થાય છે. દિવ્યભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારમાં સતસવીર જર્જરિત શાળાઓ અને બાળકોની દયનિય સ્થિતિ બહાર આવતા આ મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ ચગ્યો હતો. અને ભાવનગર કોર્પોરેશન અને શાસકોની આંખ ખુલી હતી.

જેથી તાત્કાલિક જે શાળામાં પાંચ લાખથી ઓછી રકમનો રિપેરિંગ ખર્ચ હોય તે શાળામાં વાર્ષિક ભાવે કોન્ટ્રાક્ટરને કામ સોંપી રિપેરિંગ શરૂ પણ કરાવી દીધુ છે અને પાંચ લાખથી વધુ ખર્ચ જે શાળાના રિપેરિંગ માટે હોય તેનું ટેન્ડર બહાર પાડી એજન્સીને કામ સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં કોર્પોરેશનના બિલ્ડીંગ વિભાગ દ્વારા સાત શાળાના રિપેરિંગ માટે વાર્ષિક ભાવે એજન્સી પાસે કામ શરૂ કરાવી દીધુ છે. જ્યારે ચાર શાળાના રિપેરિંગ માટે તાજેતરમાં જ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

શાળા રિપેરિંગ શરૂ, ટેન્ડર પણ બહાર પાડ્યા
ભાવનગર કોર્પોરેશન હસ્તકની પ્રાથમિક શાળાઓના બિલ્ડીંગના સર્વે પ્રમાણે જર્જરિત મિલકતોમાં પાંચ લાખથી ઓછા ખર્ચનું રિપેરિંગ શરૂ કરાવ્યું છે જ્યારે અન્યમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. - બી.એન. અડવાણી, કાર્યપાલક ઈજનેર બિલ્ડીંગ

કંઈ શાળાના રિપેરિંગ માટે ટેન્ડર કરાયા ?
ગૌરીશંકર પ્રા.શાળા નં.65 બોરતળાવ રૂ.14,68,000, અંબિકા કન્યા પ્રા.શાળા નં.7 માં રૂ.17,12,800, ડો.સી.વી.રામન પ્રા.શાળા નં. 36 હલુરીયા ચોક રૂ.15,10,900, કુંભારવાડા સર્કલ પાસે શાળા નં.1 અને 2 માં રૂ.31,80,000

કંઈ શાળાના રિપેરિંગ શરૂ કરાયા ?
વિદ્યાનગર પ્રાથમિક શાળા નં.80, મિલિટરી સોસાયટી પ્રા.શાળા નં. 81, આનંદવિહાર પ્રાથમિક શાળા નં.10, ગૌશાળા પ્રાથમિક શ‍ાળાનં. 68, લંબે હનુમાન શાળા નં. 69, વર્ધમાનનગર ભરતનગર શાળા નં.72, ભરતનગર પ્રાથમિક શાળા નં.76

અન્ય સમાચારો પણ છે...