તંત્ર નિદ્રાંધિન:પ્લાસ્ટિક પર પ્રતિબંધ માત્ર કાગળો પર ખુલ્લેઆમ વપરાશ છતાં તંત્ર નિષ્ક્રિય

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટિક ડ્રાઇવ માત્ર ઔપચારિક બની રહી, નાના વેપારીઓ દંડાય મોટા મોજ કરે
  • જગજાહેર વપરાશ છતાં વર્ષોથી​​​​​​​ કોર્પોરેશન પ્લાસ્ટિક ડ્રાઇવ કરી અને 2 થી 10 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી મન મનાવે છે

ભાવનગર કોર્પોરેશન સ્વચ્છતા સર્વેક્ષણમાં ફાઇવસ્ટાર રેટિંગમાં એપ્લાય થયું અને કામગીરી દેખાડવા રોજ ઊઠીને પ્રતિબંધિત પ્લાસ્ટિક ડ્રાઈવ કરે છે. નાના નાના વેપારીઓ પાસેથી બે થી દસ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત પણ કરે છે. પરંતુ આ પ્લાસ્ટિકનો જથ્થો જ્યાંથી આવે છે તેના મૂળ સુધી પહોંચી અટકાવવાનો પ્રયાસ કરતા નથી. ભૂતકાળમાં પણ સદંતર પ્લાસ્ટિક બંધ કરવાનો પ્રયાસ થયો હતો પરંતુ રાજકીય દબાણવસ તંત્રના હાથ પણ નીચા પડી ગયા હતા.સ્વચ્છતા અને લોકોના આરોગ્ય માટે 75 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ લાવવામાં આવ્યો છે. તેમ છતાં ખુલ્લેઆમ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને વેચાણ થાય છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વર્ષોથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ અટકાવવાના પ્રયાસો થાય છે. સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા પ્લાસ્ટિક ડ્રાઈવ પણ કરવામાં આવે છે અને રોજના 2 થી 10 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને દંડ ફટકારવામાં આવે છે.પ્રતિબંધિત પ્લાસ્ટિક અટકાવવાનો પ્રયાસ આવકારદાયક છે પરંતુ નાના નાના વેપારીઓ પાસેથી પ્લાસ્ટિક જપ્ત કરી દંડ ફટકારવાથી પ્લાસ્ટિક પર પ્રતિબંધનું અભિયાન સફળ નહીં થાય.

ખરેખર તો જ્યાંથી જથ્થાબંધ વેચાણ અને ઉત્પાદન થતું હોય ત્યાં મૂળમાંથી જ બંધ કરી દેવામાં આવે તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સેનેટરી ઇન્સ્પેક્ટરોને તેઓનું મુખ્ય સફાઈનું કામ છોડી પ્લાસ્ટિક ડ્રાઈવ કરવાની જરૂર ન પડે. પરંતુ જથ્થાબંધ વેપારીઓ અને ઉત્પાદકો સાથે જાણે રાજકીય અને તંત્રની સાઠગાંઠ હોય તેમ પ્રતિબંધિત પ્લાસ્ટિકના મૂળ સુધી પહોંચી શકતા જ નથી.

શહેરમાં ક્યાંથી આવે છે પ્લાસ્ટિકનો જથ્થો ?
ભાવનગર શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા દુકાનો અને લારી, ગલ્લાઓમાં તપાસ કરી પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરતા હોય છે. પરંતુ આ પ્લાસ્ટિક ક્યાંથી આવે છે ? ત્યાં સુધી પહોંચી શકતા નથી. ખાસ કરીને દમણ અને મહેસાણામાં પ્લાસ્ટિકના ઝબલાની ફેક્ટરીઓ છે ત્યાંથી ભાવનગરમાં ઘુસાડવામાં આવે છે.

ભાવનગરમાં પણ ઉત્પાદનની શક્યતા ચકાસવી જરૂરી
પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન ભાવનગરમાં પણ થતું હતું. તેમજ હાલમાં પણ ઉત્પાદન થતું હોવાની સંભાવના પૂરી છે. ચાર વર્ષ પૂર્વે બંદર રોડ પરથી પ્લાસ્ટિકના મેન્યુફેક્ચરની બે ફેક્ટરીઓને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા. જ્યારે હાલમાં પણ બંદર રોડ, પ્રેસ રોડ અને રૂવાપરી રોડ પર પ્લાસ્ટિક ઉત્પાદન કરતા હોવાનું જાણવા મળ્યું છે.

જથ્થાબંધ વિક્રેતાઓ સામે પણ કાર્યવાહી કરીએ છીએ
75 micron થી નીચેના પ્લાસ્ટિક પ્રતિબંધિત છે. જેનો વપરાશ અને વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. જથ્થાબંધ વિક્રેતાઓ સામે પણ પ્લાસ્ટિક જપ્ત દંડ ફટકારાય છે. માહિતી મળ્યે ઉત્પાદકો સામે પણ કાર્યવાહી થશે. - સંજય હરિયાણી, કાર્યપાલક ઈજનેર સોલીડ વેસ્ટ

અન્ય સમાચારો પણ છે...