હોબાળો:ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ફરજ બજાવતાં પેરામેડિકલ સ્ટાફના 120 કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાતા ખળભળાટ

ભાવનગરએક મહિનો પહેલા
  • કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ નોટિસ આપ્યા વગર જ છૂટા કરી દેવામાં આવ્યા: નર્સિંગ સ્ટાફ
  • અમને 6 મહિનાનો પગાર આપે અથવા બીજી જગ્યાએ હોસ્પિટલમાં નોકરી આપે: નર્સિંગ સ્ટાફ

ભાવનગર શહેરની સર.ટી હોસ્પિટલ આજકાલ એક નવા વિવાદિત મુદ્દાનુ કેન્દ્ર બિંદુ બની છે. અહીં પેરામેડિકલ સ્ટાફ તરીકે ફરજ બજાવતા 120 કર્મચારીઓને છુટા કરી દેવાતાં છૂટા કરાયેલા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠવા સાથે સમગ્ર મુદ્દે ચકચાર મચી જવા પામી છે.

આ અંગે સર.ટી હોસ્પિટલ સ્થિત પેરામેડિકલ સ્ટાફના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, થોડા સમય પૂર્વે કોન્ટ્રાક્ટ બેઝ પર જોબ કરતાં પટ્ટાવાળાઓને રાતોરાત નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા હતાં. આ વિવાદનો પડઘો સમે તે પહેલાં નવો વિવાદ પડમાં આવ્યો છે. જેમાં એક ખાનગી કોન્ટ્રાક્ટ હેઠળ સર.ટી હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવે છે. જેમાં 120 કર્મચારીઓમાં નર્સિંગ અને ડ્રેસિંગ સહિતનો સ્ટાફ છે. આ કર્મચારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત ગડગડીયુ પકડાવી દેતાં પેરામેડિકલ સ્ટાફમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ સંદર્ભે કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીના સૂત્રોને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ પૂરો થતો હોય આથી કર્મચારીઓને છુટા કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ પેરામેડિકલ સ્ટાફના છુટા કરાયેલા કર્મચારીઓએ રોષ સાથે જણાવ્યું હતું કે, ફરજ મુક્ત કરાતાં પૂર્વે નોટિસ પિડીયર પણ આપવામાં આવ્યો નથી અને રાતોરાત છૂટા કરી દેવામાં આવ્યા છે. આ અંગે અમે ગાંધીનગર રજૂઆત કરીશું અને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું પણ ન્યાય મેળવીને જ જંપીશુ.

સર.ટી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા કૈલાશબેન પરમારે જણાવ્યું હતું કે, ડી.જી નાકરાણી કોન્ટ્રાક્ટરોએ અમને કોઈ પણ જાણ કર્યા વગર અમને છૂટા કરી દેવામાં આવ્યા છે,અમને 1 મહિના પહેલા જાણ કરે તો અમારે બીજી જગ્યાએ નોકરીમાં એપ્લાય કરવું હોય તો કરી શકાય, અત્યારે અમે એકપણ બાજુના ન રહ્યા હવે જાવું તો જાવું ક્યાં...અમે બે વર્ષથી અહીંયા ફરજ બજાવવી એ છીએ.

હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા લાલિતભાઈ ડાભીએ જણાવ્યું હતુ કે, અમને અચાનક જ છૂટા કરી દેવામાં આવ્યા છે. નથી અમને કોઈપણ નોટિસ આપવામાં આવી કે નથી કોઈ જાણ વગર જ કહેવામાં આવ્યું કે, કાલથી ન આવતા. અમે છેલ્લા ત્રણ મહિનાનો પગાર પણ નથી આપવામાં આવ્યો, અમને 6 મહિનાની સેલરી આપે અથવા અમને કોઈપણ જગ્યાએ નોકરીએ લગાવી આપે તેવી માંગ કરી છે. અમે કોરોનામાં સરકાર દ્વારા જે સેલરી આપવામાં નકક થયેલું તે પણ આપવામાં નથી આવ્યું, જ્યાં સુધી અમારી માંગ પુરી નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...