પાલિતાણાના ગામે રહેતા અને ખેતી કરી મજુરી કરતા યુવકના પત્ની ત્રણ વર્ષથી રિસામણે હોય જેને બગદાણાના કોટિયા ગામે મળવા ગયા હતા તે દરમિયાન પત્ની સહિત ચાર શખ્સોએ મારમારી ગંભીર ઇજા પહોંચાડી ઝેરી દવા પીવડાવી દેતા યુવકનું મોત નિપજ્યું હતું. તેવો મૃતકના કાકાએ આક્ષેપ કરતા બગદાણા પોલીસમાં તેના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામે રહેતા જીતુભાઇ અજમેલભાઇ પરમારના લગ્ન ત્રણેક વર્ષ પહેલા બગદાણાના કોટિયા ગામે લગ્ન કરેલ હતા. જેમાં તેના પત્ની ઇલાબેન જીતુભાઇ પરમાર લગ્ન પછી થોડા દિવસોમાં ત્રણેક વર્ષથી રીસામણે હતા જેમાં અવાર નવાર પણ જીતુભાઇ તેના સાસરીયે તેના પત્નીને તેડવા જતા હોય અને તેના પત્ની તું મને ગમતો નથી તેમ કહી જીતુભાઇ સાથે ઝઘડા કરી ઇલાબેનના પપ્પા તથા તેના પરિવાર દ્વારા જીતુભાઇને અવાર નવાર ઢીકાપાટુનો મારમારી ગંભીર ઇજા પહોંચાડવામાં આવતી હતી.
ગત તા. 28-2ના રોજ જીતુભાઇ પરમાર તેના પત્નીને તેડવા ગયા તે દરમિયાન પણ તેના સસરા તથા તેના પત્ની દ્વારા જીતુભાઇને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી વહેલી સવારના જીતુભાઇને ઝેરી દવા પીવડાવી દીધી હતી. તેવો આક્ષેપ મૃતકના કાકા ઓધાભાઇએ કર્યો હતો. સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાતા ટુંકી સારવાર બાદ જીતુભાઇ અજમેલભાઇ પરમાર (ઉ.વ. 25) નું મોત નિપજ્યું હતું. મૃતકના કાકા ઓધાભાઇએ નાજાભાઇ રામાભાઇ ચારોલીયા, નરેશ નાજાભાઇ ચારોલીયા, કાનુબેન નાજાભાઇ ચારોલિયા, તથા તેના પત્નિ ઇલાબેન જીતુભાઇ પરમાર વિરૂધ્ધ પોલીસને જાણ કરતા બગદાણા પોલીસે આગળ તપાસ હાથ ધરી હતી.
મૃતકના માતા-પિતા કોરોનામાં અવસાન પામેલા
પાલિતાણા ગામે રહેતા જીતુભાઇ અજમેલ ભાઇ પરમારના માતા-પિતા કોરોનામાં અવસાન પામતા જીતુભાઇ પરમાર તેના કાકા ઓધાભાઇ પરમારના ઘરે રહી ગુજરાન ચલાવતા હતા. મૃતક જીતુભાઇ બે બહેન વચ્ચે એક ભાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.