તપાસ:હેરિએટમાં જે IMO નંબર દર્શાવ્યો તે જહાજ 2013માં તૂર્કિમાં ભંગાયુ !

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • જાફરાબાદની સામે જહાજે લીધેલુ ઇંધણ પણ શંકાના દાયરામાં
  • જહાજ સીઝ કર્યા બાદ DRI આંતરરાષ્ટ્રીય ષડયંત્ર શોધી રહ્યું છે

સમગ્ર વિશ્વના શિપિંગ વ્યવસાયકારોની નજર ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડ પર સ્થીર થઇ છે, અને ખોટા આઇએમઓ નંબરના પ્રકરણે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા સીઝ કરવામાં આવેલા જહાજના આંતરરાષ્ટ્રીય ષડયંત્રને શોધી રહ્યા છે. હેરિએટમાં જે આઇએમઓ નંબર દર્શાવવામાં આવ્યો છે તે જહાજ તૂર્કિમાં વર્ષ 2013માં ભંગાઇ ચૂક્યુ છે.

સતત આઠમા દિવસે ડીઆરઆઇની તપાસ ભાવનગરમાં ચાલી રહી છે, અને જહાજના અંતિમ ખરીદનાર અને દુબઇથી વેચનાર વચ્ચેના ભાવનગરના મધ્યસ્થીને જૂનાગઢથી પકડી લાવવામાં આવ્યા છે, અને તેની આગવી ઢબે પુછપરછ શરૂ છે. તેઓએ દુબઇના શંકાસ્પદ કેશબાયર વતી અલંગમાં તાજેતરમાં કેટલા અને ક્યા ક્યા જહાજ વેચ્યા છે તેની ચકાસણી થઇ રહી છે. તંત્ર હવાલાની શક્યતાઓની દિશામાં પણ બારીકાઇથી નજર રાખી રહ્યું છે.

હેરિએટ જહાજનો આઇએમઓ નંબર 8716514 દર્શાવવામાં આવ્યો છે, પરંતુ તપાસનીશ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી ચકાસણીમાં આ નંબર વાળા જહાજનું અંતિમ નામ હેપ્પી હેરિયર હતુ અને તે નવેમ્બર-2013માં તૂર્કિના અલિયાગા શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે ગયુ હતુ અને 4 મહિનામાં તે નામશેષ થઇ ગયુ હતુ. હેરિએટ જહાજનું મૂળ નામ મેલોડી હોવાનું ઇન્ટેલિજન્સ યુનિટને ધ્યાને આવ્યુ છે, અને તેનો આઇએમઓ નંબર 8800298 છે.

દરમિયાન અલંગ સુધી પહોંચતા પૂર્વે હેરિએટ જહાજનું ઇંધણ ખૂટી જાય તેમ હતુ, તેથી જાફરાબાદ નજીક તા.7મી ડિસેમ્બરે આ જહાજને નામ-નંબર વિનાની બોટ દ્વારા ઇંધણ આપવામાં આવ્યુ હતુ. આ બોટની પરવાનગીઓ સંબંધિત સરકારી વિભાગો પાસેથી લેવામાં આવી હતી કે કેમ તેની ચકાસણી ચાલી રહી છે. ઉપરાંત જહાજના કેપ્ટન અને બોટના કર્મચારીઓ વચ્ચેની ઓડીયો ક્લીપ પણ તંત્રના કબજામાં આવી છે, જેમાં શંકાસ્પદ વાર્તાલાપ હોવાનું જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...