નવા નિયમો:GSTમાં ખોટી વેરાશાખને રોકવા માટેના નિયમો વધુ કડક બનાવાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવા રજીસ્ટ્રેશનના વેચાણની ITC હવે તત્કાળ ક્લેમ નહીં કરી શકાય
  • GSTR-1ના આઉટપુટથી વધુ રકમની વેરાશાખ હશે તો સમસ્યા થશે

ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના કાયદાના અમલીકરણના 52 માસ બાદ પણ કરચોરીને ડામવાના હજુ પ્રાથમિક પ્રયાસો થઇ રહ્યા છે. બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ એ બે મુખ્ય માથાના દુ:ખાવા છે, હવે ખોટી વેરાશાખ લઇ રહેલા તત્વોને કાબૂમાં રાખવા માટે નિયમોમાં જડમૂળથી તબદિલીઓ લાવવામાં આવી રહી છે. જે કોઇ નવા રજીસ્ટ્રેશન ધારકો હોય તેઓએ માલના કરેલા વેચાણની ખરીદી કોઇ અન્ય વેપારી દ્વારા કરવામાં આવે અને તેના પર જનરેટ થતી વેરાશાખ માલ ખરીદનાર વેપારી હવે તત્કાળ નહીં કરી શકે.

અગાઉ ખોટા બિલો ફાડી વેચાણ થતા અને ખરીદી કરનાર વેપારી તેની વેરાશાખ મેળવી અને જીએસટી રીટર્ન ફાઇલ કરતા પૂર્વે પેઢી જ સંકેલી લેતા અને જીએસટીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા હતા. આવા બનાવોને રોકવા માટે હવે નવા રજીસ્ટ્રેશન દ્વારા કરાતા વેચાણની વેરાશાખનો સમયગાળો નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે. GSTR-1માં વેપારીઓએ ઇન્વોઇસ અપલોડ કર્યા પછી જો જીએસટી ટેક્સનું પેમેન્ટ નહીં કર્યુ હોય, નિયત તારીખ દરમિયાન ટેક્સ ભર્યા નહીં હોય તો આવી વેરાશાખ પણ હવે ક્લેમ કરવાના નિયમોને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે.

ભેજાબાજો આ પ્રકારે પણ મોટી કરચોરી કરી રહ્યા હતા. નિયત જીએસટી કર ચૂકવવા માટે જમા રહેલી વેરાશાખનો કેટલો ઉપયોગ કરી શકાય તેના નિયમોને પણ હવે વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે. સપ્લાયરે ઇન્વોઇસ અપલોડ કર્યા હોય પરંતુ તેની વેરાશાખ ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં પણ હવેથી માલ ખરીદનાર વેપારી આવી વેરાશાખ ક્લેમ કરી શકશે નહીં. ટુંકમાં હવેથી વેરાશાખની ગેરરીતિઓ રોકવા માટેના નિયમો વધુ કડક બની રહ્યા છે.

સાચા વેપારીને નુકસાન ન થાય તે જોવું પડશે
જીએસટીમાં અનેક સ્તરે અને અનેક જગ્યાએ ગેરરીતિઓ થઇ રહી છે, અને તેને રોકવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવા પ્રાવધાનો ખોટી વેરાશાખને નિયંત્રિત કરવા માટે આવી રહ્યા છે, ખોટું રોકવા માટેના તમામ પગલા આવકારદાયક જ છે, પરંતુ સાચા વેપારીઓને પણ નવા નિયમોને કારણે નુકસાન ન થાય તેનો વિચાર પણ કરવો પડશે. - ભરતભાઈ શેઠ, પ્રમુખ, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલટન્ટ

અન્ય સમાચારો પણ છે...