RTEમાં શૈક્ષણિક વર્ષ 2022-23ની પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ પ્રથમ રાઉન્ડમાં શહેર કે જિલ્લા કક્ષાએ જે બાળકોની અરજી માન્ય થઇ હોય પણ પ્રથમ રાઉન્ડમાં વડી કચેરી દ્વારા ઓનલાઇન શાળા ફાળવણી કરવામાં આવી ન હોય માત્ર એવા વિદ્યાર્થીઓને જ આરટીઇ હેઠળની ખાલી રહી ગયેલી જગ્યાઓ ધરાવતી ખાનગી પ્રાથમિક શાળાઓની પુન: પસંદગી માટે તક આપવામાં આવી છે.
ભાવનગર શહેરમાં 101 તથા જિલ્લામાં 138 મળીને કુલ 239 બેઠકો માટે બીજા રાઉન્ડમાં એડમિશનની પ્રક્રિયા કરવામાં આવશે. આ માટે પ્રવેશ મળ્યો હોય તેવા બાળકોના વાલીઓને તેમના રજિસ્ટર મોબાઇલ પર મેસેજ કરવામાં આવ્યો છે. જો કોઇ ટેકનિકલ પ્રશ્ન હોય અને મેસેજ ન મળ્યો હોય તો તેઓ rte.orpgujarat.com પર જઇ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અરજીની સ્થિતિ જોઇ શકાશે. બાળકોને તા.23 મેને સોમવાર સુધીમાં પ્રવેશ માટેની કાર્યવાહી અચૂક પૂર્ણ કરવાની રહેશે. અન્યથા પ્રવેશ રદ ગણાશે.
જે વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો હોય તો સાઇટ પરથી એડમિટ કાર્ડની પ્રિન્ટ લઇને ફોર્મ કરતા સમયે અપલોડ કરેલા આધાર પુરાવાઓની અસલ તથા એક સેટ નકલ લઇ જવાની રહેશે. શાળાએ પહોંચી શાળા પાસેથી પ્રવેશ અંગેની રિસિપ્ટ મેળવી પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો રહેશે તેમ ડીઇઓ એન.જી.વ્યાસે જણાવ્યું છે. તા.23 મેને સોમવાર સુધીમાં પ્રવેશ ફાળવાયેલી શાળમાં એડમિશનની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે અન્યથા એડમિશન રદ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.