કામગીરી:રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં થશે તબદીલી માલીકની સંમતિ અને પુરાવા આપવા આવશ્યક બનશે

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગનું બોગસ બિલિંગ ભાડા વાળી જગ્યાઓ પરથી થાય છે
  • કાયદા સુધારણામાં જગ્યાના દસ્તાવેજની નકલ પણ સામેલ કરાશે

ભાવનગરમાં મોટા ભાગની જીએસટી સંબંધિત એજન્સીઓના નિયમિત આંટાફેરા છે. ભાવનગરમાં કોઇકના દસ્તાવેજ પર, ભાડાની જગ્યા પર રજીસ્ટ્રેશન મેળવી અને તેવી પેઢીઓ વડે કરોડો રૂપિયાના કૌભાંડો કરવામાં આવી રહ્યા છે. મોડેસ ઓપરન્ડીના અભ્યાસ બાદ હવે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જ કપરી બનાવવાની યોજનાઓ ચાલી રહી છે.

જીએસટીની કરચોરી સાથે સંકળાયેલા લોકો પાનકાર્ડ, આધારકાર્ડ કોઇ મજૂર, રીક્ષાવાળા જેવા લોકોના લઇ અને તેઓને દર મહિને 10હજારનું વળતર આપે છે. આવા દસ્તાવેજોના આધારે ભાડાની દુકાન-મકાન લઇ તેના ભાડા કરાર બનાવે છે, અને આ તમામ દસ્તાવેજોના આધારે એજન્ટની મદદગારીથી જીએસટી રજીસ્ટ્રેશન મેળવી લે છે. બે-ત્રણ માસ દરમિયાન કરોડો રૂપિયાના બિલો ફાડી અને કંપની બંધ કરી દેવાય છે.

કૌભાંડીઓની આવી કરતૂતોથી વાકેફ થયેલા જીએસટી તંત્રએ બોર્ડને રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં સુધારાઓ સુચવ્યા હતા. તે પૈકી ભાડાની દુકાન, મકાન રાખ્યુ હોય તો માત્ર ભાડા કરારથી રજીસ્ટ્રેશન મેળવી ન શકાય અને તેના માલીકની પૂર્વ મંજૂરીનો પત્ર, માલીકના દસ્તાવેજની નકલ અને માલીકના પણ ઓળખના પુરાવા ફરજીયાત બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. બોગસ બિલિંગ સાથે સંકળાયેલા લોકોના રજીસ્ટ્રેશન સરળતાથી કરાવી આપવા માટે પણ જીએસટી તંત્રના કર્મચારીઓ ભાગ ભજવતા હતા, પરંતુ જુલાઇ માસથી આવી પ્રવૃત્તિઓ પર હંગામી બ્રેક લાગી છે. ભાડાની જગ્યા પર બોગસ બિલિંગ કરનારા લોકો માટે, જગ્યા ભાડે આપનારા લોકો માટે પણ નવા પ્રાવધાન આડકતરી જવાબદારી નક્કી કરનારા બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...