એનાલિસિસ:2012માં 69.12 ટકા મતદાનનો રેકર્ડ હજી અકબંધ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં ચૂંટણી તંત્ર દ્વારા યુવા અને મહિલા મતદારો માટે જાગૃતિ અભિયાનનો આરંભ
  • ગત વિધાનસભા ચૂંટણીમાં ભાવનગરની 7 બેઠક પર સરેરાશ મતદાન 7 ટકા જેટલું ઘટી ગયેલું

ભાવનગર જિલ્લામાં આગામી તા.1 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન વધુ થાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે. આ સંજોગોમાં ભાવનગર વિધાનસભાનો રેકર્ડ જોઇએ તો ઇ.સ.2012ની વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક 69.12 ટકા જેવું વિક્રમી મતદાન થયું હતુ. આ રેકર્ડ હજી સુધી અકબંધ છે.

ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાવનગર જિલ્લાની 7 બેઠકો માટે મતદાન 7 ટકા જેટલું ઘટીને 62.18 ટકા થઇ ગયું હતુ. આ વખતે હવે મતદાન માટે સક્રિયતા વધે અને વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરવા જરૂરી છે. ખાસ તો નવા 67 હજાર જેટલા યુવા અને મહિલા મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરવા આવશ્યક છે.

ભાવનગર જિલ્લામાં ઇ.સ.2012માં જ્યારે બોટાદ અને ગઢડા પણ ભાવનગરમાં સમાવેશ હતો ત્યારે કુલ 18,62,269 પૈકી 12,87,181 મતદારોએ મતદાન કર્યું હતુ અને ટકાવારી 69.12 ટકા હતી. રાજકીય પંડિતો ગણતરી માંડતા હોય છે કે મતદાન વધે તો આ પક્ષને ફાયદો થાય અને મતદાન ઘટે તો બીજા પક્ષને ફાયદો થાય તેના સમીકરણો પણ આવતા હોય છે પરંતુ ભાવનગર જિલ્લામાં 55 ટકાથી લઇને 69 ટકાથી વધુ મતદાન છેલ્લી ચાર ચૂંટણીમાં થયું છતાં જિલ્લામાં કુલ 9 બેઠક હતી ત્યારે ભાજપને 8 તેમજ 7 બેઠક થઇ ત્યારે ભાજપને 6 બેઠક હતી અને કોંગ્રેસને તો આ ચારેય ચૂંટણીમાં 1 બેઠક જ મળી છે. આમ મતદાનની ટકાવારી વધઘટ થઈ પણ પરિણામ એકસમાન રહ્યું છે.

ભાવ. રૂરલમાં મતદાનમાં 5 વર્ષમાં 12%નો ઘટાડો
ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં 2012ની વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ 75.55 ટકા મતદાન થયું હતુ પણ ગત 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાવનગર ગ્રામ્યમાં મતદાન એકંદરે શુષ્ક રહેતા 62.65 ટકા મતદાન થયું હતુ. એટલે કે પાંચ વર્ષમાં મતદાનમાં 12.90 એટલે કે લગભગ 13 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો હતો.

2017ની ચૂંટણીમાં મહિલાઓનું મતદાન 7.71 ટકા ઘટેલું
ઇ.સ.2012માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં મહિલાઓનું મતદાન વિક્રમજનક 66.27 ટકા થઇ ગયેલું તે ગત 2017ની ચૂંટણીમાં 7.71 ટકા ઘટીને 58.04 ટકા થઇ ગયું હતુ. આ જ રીતે પુરુષોમાં 2012ની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં મતદાન વિક્રમજનક 71.70 ટકા થઇ ગયેલું તે ગત 2017ની ચૂંટણીમાં 6.90 ટકા ઘટીને 64.80 ટકા થઇ ગયું હતુ. આ વખતે ચૂંટણીમાં મહિલાઓ માટે મતદાન વધે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...