ભાવનગર કોર્પોરેશનના શાસકોની ચોટલી જાણે શૈક્ષણિક સંસ્થાઓના હાથમાં હોય તેમ ભાવનગરની કુલ પોણા ત્રણ લાખ જેટલી મિલકતોને ફદીયાનો પણ ફાયદો નહીં કરાવી માત્ર 160 મિલકતોને જ ફાયદો કરાવવા માટે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શૈક્ષણિક સંસ્થાઓનો કર દરનો ભારાંક જે ત્રણ રૂપિયા હતો તેમાંથી અડધોઅડધ ઘટાડો માત્ર દોઢ રૂપિયાનો વેરાનો દર કરવાને મંજૂરી આપી છે. જેને કારણે કોર્પોરેશનને વર્ષે સવા બે કરોડની આવકમાં ઘટાડો થશે.
સાથોસાથ સામાન્ય પ્રજાજનો માટે પણ સારો નિર્ણય લીધો હોય તેમ તંત્ર દ્વારા વેરા વધારવાની દરખાસ્તને ફગાવી જે હાલમાં રહેણાકના 12 રૂપિયા અને કોમર્શિયલના 24 રૂપિયા છે તેને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. શૈક્ષણિક સંસ્થાઓનો મિલકત વેરાનો ભારાંક ત્રણ રૂપિયા હતો તેમાં શૈક્ષણિક સંસ્થાઓની રજૂઆતોના અનુસંધાને તંત્ર દ્વારા બે રૂપિયા કરવા દરખાસ્ત કરી હતી. પરંતુ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શૈક્ષણિક સંસ્થાઓનો ભારાંક 1.50 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.
આગામી વર્ષ 2022-23 માં શૈક્ષણિક સંસ્થાઓનો મિલકતવેરાના દરમાં ઘટાડવાનો નિર્ણય કોરોનાને અનુસંધાને જો કર્યો હોય તો પોણા ત્રણ લાખ મિલકત ધારકોનો પણ ઘટાડો કરવો જરૂરી છે. મિલકત વેરાનો દર દોઢ રૂપિયા કરવામાં આવશે તો દર વર્ષે સવા બે કરોડની આવક કોર્પોરેશનની ઘટશે. સાથોસાથ સામાન્ય પ્રજાજન માટે સારા સમાચારનો નિર્ણય પણ લેવાયો છે. અધ્યક્ષ સ્થાનેથી ધીરુભાઈ ધામેલીયાએ ઘરવેરા વિભાગ દ્વારા રહેણાક અને કોમર્શિયલ મિલકતોમાં દર વધારવા માટે દરખાસ્ત કરી હતી તેને ફગાવી દઈ આગામી વર્ષ 2022-23 કોઈપણ પ્રકારનો દર નહીં વધારવાનો નિર્ણય કર્યો હતો.
સ્કૂલો બંધ હતી છતાં 400 ટકા વધારાનો વેરો ભરેલો
ભાવનગર શહેરમાં શાળા સંચાલકોએ જણાવ્યું છે કે કોરોના કાળમાં શાળાઓ બંધ હતી છતાં વર્ષ 2021-22માં ભાવનગરની શૈક્ષણિક સંસ્થાઓએ વિપરિત સ્થિતિમાં પણ 400 ટકા વધારા સાથે 20 લાખ જેટલો વેરો ભર્યો છે. મહાપાલિકા ઘરવેરો ઘટાડશે તો પણ 200 ટકાનો વધારો તો શાળા-કોલેજો પાસેથી ગત વર્ષે પાલિકાએ વસૂલ્યો જ છે. આ સામે આવક હતી નહીં ફીમાં પણ માનવતા દાખવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા પણ 25 ટકા ઘટી છે. ત્યારે માંગ કરી છે કે 75 પૈસાનો વેરો દોઢ રૂપિયો કરવામાં આવે તો વાંધો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.