નેચરલ ફાર્મિંગ માટે કોન્કલેવ:બોટાદમાં યોજાયેલા કાર્યક્રમમાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂકાયો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો

એગ્રી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ-2021 અંતર્ગત માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચુયલ ઉપસ્થિતિમાં તાજેતરમાં બોટાદ નગરપાલીકા ટાઉનહોલ ખાતે નેચરલ ફાર્મીંગ અંગેના નેશનલ કોન્કેલવ કાર્યક્રમ ગુજરાત રાજ્ય બિનઅનામત આયોગનાં અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.

આ કાર્યક્રમમાં અધ્યક્ષએ જણાવેલ કે નેચરલ ફાર્મીંગ એટલે કે પ્રાકૃતિક ખેતી એ આપણા વડદાદા કરતા હતા અને હવે આપણે આડેધડ રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવાથી જમીનની તંદુરસ્તી તથા માણસની તંદુરસ્તી પર અસર પડેલ છે. જેથી ગુણવતા સભર કૃષિ પેદાશ ઉત્પન્ન કરવા તેમજ ખેતી ખર્ચ ઘટાડવા માટે પ્રાકૃતિક ખેતી એ જ હાલના તબક્કે વિકલ્પ છે. તેમજ પ્રાકૃતિક ખેતી માટે સરકાર દ્વારા ઘણી બધી સહાયો પણ આપવામાં આવે છે. જેવી કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને જીવામૃત બનાવવા માટે પ્લાસ્ટીકના ડ્રમ, તેમજ દેશી ગાય નિભાવ ખર્ચ એક ગાય દીઠ 900 રૂ. પ્રતિ માસ એટલે કે 10,800 રૂ. એક વર્ષે ખેડુતને સીધા જ બેંક ખાતામાં આપવામાં આવે છે. આ સિવાય શરૂઆતનાં તબક્કામાં સજીવ ખેતી કે નેચરલ ફાર્મીંગ કરતા સમયે થોડો ઉત્પાદનમાં ઘટાડો થાય તો તેને સરભર કરવા માટે 5000 રૂ. હેકટર ઇનપુટ સબસીડી પણ આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઇ શાહ, ગુજરાત રાજયના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, વર્ચુઅલી જોડાયેલ હતા. જેમાં આચાર્ય દેવવ્રતે નેચરલ ફાર્મીંગ વિષે ખેડુતોને માહીતગાર કર્યા હતા જેમાં જીવામૃત, બીજામૃત તેમજ અન્ય કુદરતી પ્રાપ્ય વસ્તુઓને ખેતીમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની માહીતી આપી હતી. અંતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેડુતોને નેચરલ ફાર્મીંગ કરવા આહવાન કર્યુ હતુ અને નેચરલ ફાર્મીગ દ્વારા ઉત્પાદીત ખેત પેદાશો રસાયણ મુક્ત હોય જેથી જમીન તેમજ મનુષ્યોનની તંદુરસ્તીનાં ભાગીદાર બનવા માટે દેશનાં ખેડુતોને હાંકલ કરેલ હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિ.) પ્રાંત અધિકારી તથા બહોળી સંખ્યામાં ખેડુત ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...