પર્યાવરણીય મંજૂરી મળશે:ભાવનગર બંદર પર CNG ટર્મિનલ બનાવવાની પ્રક્રિયાને વેગ પ્રદાન થયો

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓશિયોનોગ્રાફી-હાઇડ્રોગ્રાફી સર્વે બાદ પર્યાવરણીય મંજૂરી મળશે
  • કેન્દ્ર અને રાજ્ય સરકાર ભાવનગર બંદર પર પ્રોજેક્ટ માટે સક્રિય

ભાવનગર બંદર અગાઉના વર્ષોમાં આયાત-નિકાસની કામગીરીથી સતત ધમધમતુ હતુ. હવે ભાવનગરમાં દેશનું પ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવાનો પ્રોજેક્ટ ભાવનગર બંદરને ફાળવવામાં આવ્યો છે. ભાવનગર બંદર પરના નવા પ્રોજેક્ટ માટે ઓશિયોનોગ્રાફી સર્વેની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. ત્યારબાદ પર્યાવરણીય મંજૂરીઓ માટે સંબંધિત વિભાગો આગળ પ્રક્રિયા ધપાવશે.

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) હસ્તકના રાજ્યના તમામ બંદરો પૈકી સૌથી વધુ જમીન ભાવનગર બંદરમાં આવેલી છ. હાલ અહીં કોલસા અને લાઇમ સ્ટોન આયાતની કામગીરી ચાલી રહી છે. છતા મોટી જમીન ફાજલ પડી રહે છે. કોંક્રિટ જેટીની સામેના ભાગમાં નોર્થ-ક્વે આવેલો છે ત્યાંથી શરૂ કરી અને મેઇન ચેનલ સુધી સીએનજી ટર્મીનલ, કન્ટેનર કાર્ગો હેન્ડલિગ સવલત ઉભી કરવામાં આવનાર છે. આ માટે બે તબક્કામાં પદ્મનાભ મફતલાલ ગ્રુપ અને નેધરલેન્ડની કંપની ભેગા મળીને ભાવનગર બંદર પર બે તબક્કામાં 1900 કરોડનું રોકાણ કરવાના છે.

સીએનજી ટર્મિનલ માટે ઓશિયોનોગ્રાફી સર્વે ટુંક સમયમાં કરવામાં આવશે અને તેના રિપોર્ટ બાદ હાઇડ્રોગ્રાફી સર્વે કરાશે. અને બાદમાં પ્રોજેક્ટ સંબંધિત પર્યાવરણીય મંજૂરીઓ મેળવવાની દિશામાં કામગીરી આગળ ધપાવવામાં આવશે તેમ કંપની સાથે સંકળાયેલા સૂત્રોએ નામ નહીં પ્રસિધ્ધ કરવાની શરતે જણાવ્યુ હતુ.

ભાવનગર બંદર સુધી બ્રોડગેજ રેલવે લાઇન હયાત છેે તેથી દેશના ખુણે ખુણા સુધી માલ પરિવહનની દિશામાં વધુ કોઇ પ્રયાસ કરવાના નથી અને આ એક નવા પ્રોજેક્ટ માટે હકારાત્મક બાબત છે. ઉપરાંત નવો રિંગ રોડ પણ તેના માટે અનેક દ્રષ્ટિએ અનુકુળ સાબિત થઇ શકે તેમ છે. ભાવનગર બંદર પર કોલસા અને લાઇમ સ્ટોનની આયાત મુખ્યત્વે રહે છે.

સીએનજી ટર્મીનલ બનાવવા ઉપરાંત અત્યારના લોકગેટની જેવા જ બીજા બે લોકગેટનું નિર્માણ પણ હાથ ધરવામાં આવશે. કન્ટેનર ટર્મિનલ અને રો-રો ફેરીનું બર્થ બનાવવાની પણ યોજના છે. દરિયાઇ પ્રોજેક્ટ હોવાથી તેની શરૂઆત કરવા માટે પૂર્વતૈયારીઓ અને આનુષંગિક તૈયારીઓમાં અન્ય પ્રોજેક્ટની સરખામણીએ વધુ સમય લાગે છે, પરંતુ ભાવનગરમાં હકારાત્મક દિશામાં કામ આગળ ધપ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...