ભાવનગરના ગોપાલનગર ખાતે રહેતા યુવક સાથે તેના પિતાની સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શખ્સે રૂપિયા 25 લાખની છેતરપિંડી આચરી હતી. જે અંગે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પામી છે. આરોપીએ તેની કંપનીમાં યુવકના 10 લાખ, તેના કાકાના દીકરાના 5 લાખ અને તેના ફુઇના દીકરાના 10 લાખનું રોકાણ કરાવી વળતર કે મૂડી પરત ન કરતાં તેની સામે ફરિયાદ નોંધાવાઇ હતી. આ અંગે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરતનગર પોલીસ સ્ટેશનમાં થયેલી FIR મુજબ, ભાવનગરના ગોપાલનગર ખાતે રહેતા યુવક ભગીરથભાઇ ઇશ્વરભાઇ જાનીના પિતા કુંભારવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જે સ્કૂલના આચાર્ય સાગર ઉમેશભાઇ જાની અવારનવાર તેમના ઘરે આવતા હોવાથી ચેમજ એક જ સમાજના હોવાથી તેમની સાતે ઊગીરથભાઇનો પરિચય થયો હતો. જેમાં એક દિવસ સાગર જાનીએ તે શૌર્ય એન્ટરપ્રાઇઝ કંપનીનો માલિક હોવાનું જણાવ્યું હતું મોટી રકમ ફા-વળતર રૂપે મળે છે એમ જણાવી પિતા-પુત્રને તે કંપનીમાં રોકાણ કરવા જણાવ્યું હતું.
આ સિવાય શખ્સે એક વીડિયો ક્લીપ બતાવીને પિતા-પુત્રને તેમની વાતોમાં ભોળવ્યા હતા. જેના પગલે યુવક ભગીરથભાઇ રૂપિયા 10 લાખનું રોકાણ કરવા તૈયાર થઇ ગયા હતા. જો કે બાદમાં શખ્સે પૈસાની મૂળ રકમ તેમજ દર મહિને ચૂકવવાનું થતું વળતર ન ચૂકવતાં ભગીરથભાઇએ અવારનવાર તેમના પૈસા-વળતરની ઉઘરાણી કરી હતી. પરંતુ સાગર જાનીએ અવારનવાર બહાના બતાવતાં અંતે ભગીરથભાઇને પોતે છેતરાયા હોવાની જાણ થઇ હતી.
આ સિવાય ભગીરથભાઇના ફુઇના દીકરાએ 10 લાખ રૂપિયા અને તેમના કાકાના દીકરાએ પણ કંપનીમાં 5 લાખ રૂપિયા રોક્યા હોવાની વિગતો સામે આવી હતી. જેથી આરોપી સાગર જાનીએ કુલ 25 લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હતી. આ અંગે ભગીરથભાઇ જાનીએ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.