ઉકેલ:દબાણો નહી હટાવવાનું દબાણ સફળ કંસારા પ્રોજેક્ટની પહોળાઈ અડધી થઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 70 મીટર પહોળાઈમાંથી ઘટાડી 36 થી 44 મીટર પહોળાઈ થઈ જશે 60% દબાણો નહીં હટે
  • અઢી લાખ લોકોને થતાં રોગચાળા અને મચ્છરના ત્રાસમાંથી મુક્ત કરવા તંત્રએ કાઢ્યો સમાધાનકારી રસ્તો

ભાવનગરની સૌથી મોટી અને જુની સળગતી સમસ્યા કંસારાની ખુલ્લી ગંદકી ઉકેલની દીશા તરફ છે પરંતુ તેમાં આવતા અડચણરૂપી દબાણોનો વિવાદ ઉઠ્યો છે જેનો પણ સમાધાનકારી નિવેડો લાવી મુળ પ્રોજેક્ટની 70 મીટરની પહોળાઈ અડધોઅડધ કરતા હવે 60 ટકા જેટલા દબાણોને દૂર કરવા નહીં પડે. નવા આયોજન પ્રમાણે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. આમ દબાણો નહીં હટાવવાનું દબાણ સફળ રહ્યું છે.

ભાવનગર શહેરની મધ્યમાંથી પસાર થતી ખુલ્લી ગંદકી સમાન કંસારાને કારણે અઢી લાખથી પણ વધુ લોકો ગંદકી અને મચ્છરથી ત્રસ્ત છે. જેના નિરાકરણ માટે 70 મીટર પહોળાઈ અને 8.1 કિલોમીટર લંબાઈનો રૂ.41 કરોડના ખર્ચે કંસારા સંજીવીકરણનો પ્રોજેક્ટ સરકારમાં મંજુર થઈ ગયો. જેમાં 1800 જેટલા મકાનો દબાણમાં આવતા હતાં. જેથી કોર્પોરેશન દ્વારા નોટીસ આપવાનું શરૂ કર્યું. જેમાં 800 જેટલી નોટીસ આપતા લોકોમાં વિરોધ વંટોળ ઉઠ્યો.

જેથી શાસક પણ લોકોના ઓછા મકાનોને નુકસાન થાય અને કંસારા પ્રોજેક્ટ પણ બને તે માટે સહમત થતાં કમિશનર દ્વારા કંસારા સજીવીકરણની પહોળાઈ જે 70 મીટર હતી તેમા ઘટાડો કરી માત્ર જરૂરીયાત મુજબ 36 થી 44 મીટરની પહોળાઈમાં પ્રોજેક્ટની ડિઝાઈન બનાવવા કાર્યવાહી હાથ ધરી છે.

કંસારા સજીવીકરણ પ્રોજેક્ટ 70 મીટરમાંથી ઘટાડી હવે માત્ર 36 થી 44 મીટર જ થઈ જશે જેથી કંસારા પ્રોજેક્ટને અડચણરૂપ દબાણોમાં પણ ઘટાડો થઈ જશે. માત્ર 36 થી 44 મીટર વિસ્તારમાં આવતા જ દબાણો દૂર કરાશે. કંસારા પ્રોજેક્ટની પહોળાઈ અડધી કરી નાખતા દબાણો હટાવવાના પણ 60% ઓછા થઇ જશે. જેનો આગામી દિવસોમાં માર્કિંગ કર્યા બાદ તેમાં કેટલા મકાન કેટલી મિલકતો અડચણરૂપ થશે તે મુજબ ફાઈનલ નોટીસ આપી દબાણો દૂર કરાશે.

મુળ પ્રોજેક્ટના 24 મીટરના રસ્તા 10 મીટર થઇ ગયાં
કંસારા સજીવીકરણના બનાવેલા ડીપીઆરને સરકારે જે મંજૂરીની મહોર લગાવી તે કુલ મહત્તમ પહોળાઈ 70 મીટર જેમાં કેનાલની બન્ને તરફ 12+12 મીટરના એટલે કુલ 24 મીટર રસ્તા હતાં તે નવા આયોજનમાં માત્ર 5+5 મીટર એટલે કે 10 મીટરના રસ્તા થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંસારા માટે દૂરંદેશી દાખવી ભાવનગરના મહારાજાએ વર્ષ 1941માં 123 મીટર પહોળાઈ મુજબ જમીન ફાળવી હતી. જે 70 મીટર બાદ હવે 36 મીટર થી 44 મીટર સુધી થઈ ગઈ છે.

પહોળાઈ ઘટાડા સાથેનું નવુ અાયોજન

  • રામમંત્ર બ્રીજ થી માલધારી સુધી 26 મીટર કેનાલ અને 5-5 મીટર બન્ને તરફનો રસ્તો.
  • માલધારી થી લંબે હનુમાન, 14 નાળા અને રજપુત વાડા સુધી 30 મીટર કેનાલ 5-5 મીટર બન્ને તરફ રસ્તો.
  • રજપુત વાડા થી સુભાષનગર બ્રીજ અને તિલકનગર ડિસ્પોઝલ સુધી 34 મીટર કેનાલ અને 5-5 મીટર બન્ને તરફ રસ્તા.

ઘટાડા સાથેના પ્રોજેક્ટ પર કાર્યવાહી
શહેરના કંસારા સજીવીકરણ પ્રોજેક્ટમાં ઓછામાં ઓછા લોકોને નુકસાન થાય અને જરૂરીયાત મુજબ જ કંસારા માટે જમીન પરના દબાણો હટે તે પ્રમાણે પહોળાઈમાં ઘટાડો કરી નવું અાયોજન બનાવ્યું છે. આ પ્રોજેક્ટના અંતિમ અમલીકરણ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. - એમ.એ. ગાંધી, મ્યુ. કમિશનર, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...