કાર્યક્રમ:રાષ્ટ્રપતિના હસ્તે શહેરમાં આવાસ યોજનાનું થશે લોકાર્પણ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 27 અથવા 29ના રોજ ભાવનગરના કાર્યક્રમ અંગે હજુ પ્રવર્તતી અનિશ્ચિતતા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુભાષનગર હમીરજી પાર્ક ખાતે નિર્માણ કરેલા 1088 પ્રધાનમંત્રી આવાસનું રાષ્ટ્રપતિના હસ્તે સંભવતઃ આગામી તા.29ના રોજ લોકાર્પણનું આયોજન ઘડાઈ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં પ્રથમવાર રાષ્ટ્રપતિના હસ્તે આવાસ યોજનાનું લોકાર્પણ થશે. ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના સુભાષ નગર હમીરજી પાર્ક ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1088 આવાસ તૈયાર થઈ લાંબા સમય સુધી માત્ર લોકાર્પણના વાંકે પડ્યા છે. વધુ સંખ્યામાં આવાસો હોવાથી મોટાભાગે મુખ્યમંત્રીના હસ્તે જ લોકાર્પણનો કાર્યક્રમ આયોજીત કરાય છે.

આ આવાસ યોજનાનું અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ થવાનું હતું. જે માટેની કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ પણ કરવામાં આવી હતી. આવાસ યોજનાના બંને તરફ લાખો રૂપિયાના ખર્ચે રોડ પણ બનાવાયા, પરંતુ અચાનક મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ થયો અને વિજયભાઈ રૂપાણીએ પણ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા નવો કાર્યક્રમ ઘડાતો ન હતો. અંતે સંભવતઃ આગામી 29મી ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ની સાઈડ પર જ રાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણ કરવાનું આયોજન ઘડાઇ રહ્યું છે. પરંતુ હજુ સત્તાવાર રીતે કાર્યક્રમ સુનિશ્ચિત થયો નથી.

મોરારિબાપુની મુલાકાતનું પણ આયોજન
આગામી તારીખ 27 અથવા 29 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ પૂજ્ય મોરારીબાપુ ની મુલાકાતે આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આગામી કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિતના તમામ અધિકારીઓની મીટીંગ અને હેલીપેડ, રૂટ, રોડ તમામ બાબતોની ચકાસણી આજે મહુવા ખાતે થઈ હતી. રાષ્ટ્રપતિ કોવિદનો મહુવા ચિત્રકૂટ ધામનો કાર્યક્રમ હજુ સત્તાવાર રીતે જાહેર થયો નથી.

અન્ય સમાચારો પણ છે...