તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરરીતિ:પોર્ટની 1.73 કરોડના ખર્ચે નાખેલી ફાયર સિસ્ટમ ઠપ, GMB આગ લાગે ત્યારે કુવો ખોદશે

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિ માસ 2 લાખ ટન જ્વલનશિલ કોલસાની સતત આયાત થાય છે
  • GMB આગ લાગે ત્યારે કુવો ખોદશે
  • નવા બંદર ખાતે સિસ્ટમ શરૂ થયા પહેલા જ તૂટી જતા ભ્રષ્ટાચારની આશંકા

ભાવનગર નવા બંદર ખાતે રૂપિયા પોણા બે કરોડના ખર્ચે નવી નાંખવામાં આવેલી ફાયર ફાયટિંગ, સેફ્ટી સીસ્ટમ હજુ તો ચાલુ થાય તે પહેલા વેરણ બની ગઇ છે. પ્રતિ માસ સરેરાશ 2 લાખ ટન જ્વલનશિલ કોલસાની આયાત ભાવનગર બંદર પર થઇ રહી છે, અને હાલ ફાયર સીસ્ટમ ધૂળ ધાણી થઇ ગઇ છે, જો કોઇ બિનઇચ્છનિય બનાવ બને તો ભાવનગર બંદરમાં આગ લાગે ત્યારે કુવો ખોદવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નબળી ગુણવત્તાવાળી પાઈપલાઈન અંગે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

બે વર્ષ અગાઉ ભાવનગરના નવા બંદર ખાતે ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા રૂપિયા 1.73 કરોડના ખર્ચે ફાયર ફાયટિંગ સીસ્ટમનું કામ આપવામાં આવ્યુ હતુ. પ્રારંભથી જ કામની ગુણવત્તા અંગે વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. અને હજુ તો કામ પૂર્ણ થાય અને ફાયર સીસ્ટમ ચાલુ થાય તે પહેલા તો નવા બંદરમાં બીછાવવામાં આવેલી પાઇપ વેરણ બની ગઇ હતી, અને બાકીનો સામાન પગ કરી ગયો હતો.

ભાવનગર બંદર પર વર્ષ 2020-2021 દરમિયાન 30 જહાજમાં 13,97,246 મે.ટન કોલસો, 19 જહાજમાં 10,11,210 મે.ટન લાઇમ સ્ટોન, 3 જહાજમાં 5,250 મે.ટન પીગ આયર્નની આયાત કરવામાં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 31મી મે 2021 સુધીમાં 9 જહાજમાં 4,39,398 મે.ટન કાર્ગો આયાત થયો છે.

આયાત કરવામાં આવતો કોલસો અત્યંત્ય જ્વલનશિલ હોય છે અને 2 લાખ ટન કોલસો જુદા જુદા પ્લેટફોર્મ પર ડિસ્પેચ કરવા માટે લાદેલો હોય છે. મગદલ્લા અને નવલખીની જેમ ભાવનગર પોર્ટમાં પણ કોલસાની નોંધપાત્ર આયાત થતી હોવાથી જીએમબી દ્વારા ફાયર ફાયટિંગ સીસ્ટમ બીછાવવામાં આવી હતી. પરંતુ તેમાં નબળા કામ, હલકી સામગ્રીઓનો ઉપયોગ થયો હોવા અંગે હેડઓફિસમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા.

મરામત માટે કન્સલટન્ટ નિમાયા છે
હું તો માંદગી સબબ રજા ઉપર છું. ફાયર સેફ્ટી સીસ્ટમની મરામત કરાવવા માટે કન્સલટન્ટની નિમણુંક થઇ ચૂકી છે. ઉપરાંત કોન્ટ્રાક્ટરને 10ટકા પેનલ્ટી પણ ફટકારવામાં આવેલી છે. પોર્ટમાં કામગીરી દરમિયાન જે લોકોનો કાર્ગો હતો તેઓના અંગે પણ રિપોર્ટ કરવામાં આવેલા છે. - હેમાંગભાઇ ચૌહાણ, નાયબ ઇજનેર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...