શેરી ગરબાની બોલબાલા:શેરી ગરબાના આયોજન માટે પોલીસમાં 85 અરજીઓ આવી

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે શેરીગરબા માટે શહેરમાં વધેલો ક્રેઝ
  • મોટા આયોજનો પર બ્રેક લાગતા શેરી ગરબાની બોલબાલા : આ વર્ષે પોલીસને વધારે અરજી મળી

નવરાત્રીના મોટા આયોજનો પર બ્રેક લાગતા શેરી ગરબાના આયોજન માટે શહેરના પાંચેય ડિવિઝનમાં પહેલાં નોરતે જ 85 મંજુરી માટેની અરજીઓ આવી છે. બોરતળાવ પોલીસ સ્ટેશન સિવાય તમામ પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2019ની સરખામણીએ આ વર્ષે શેરી ગરબાના આયોજનની અરજીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

નવરાત્રીમાં મોટા આયોજનો પર સરકારી લગામ લાગતા ભાવનગરીઓ શેર ગરબા તરફ વળ્યા છે. વર્ષ 2020માં કોરોનાના લીધે નવરાત્રીના આયોજન પર સંપૂર્ણ બ્રેક હતી પરંતુ વર્ષ-2019ની સરખામણીએ આ વર્ષે શેરી ગરબાના આયોજન માટે પહેલા નોરતે જ 85 અરજીઓ આવી હતી અને સાંજ સુધી મંજુરી માટે આયોજકોની અરજીઓ આવતી જોવા મળી હતી. જેમાં મોટાભાગે સામાજીક સંસ્થાઓ, મંદિરો તથા સોસાયટીઓ, એપાર્ટમેન્ટના રહીશો દ્વારા શેરી ગરબાની મંજુરી મેળવવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ગત વર્ષ 2019માં નવરાત્રીના નવ દિવસમાં ગરબાના આયોજન માટે જેટલી અરજી આવી તેના કરતા વધારે પહેલા નોરતે એક દિવસમાં અરજી આવી હતી. જ્યારે બોરતળાવ પોલીસ મથકમાં વર્ષ 2019ની સરખામણીએ આ વર્ષે ઓછી અરજી આવી છે. બોરતળાવમાં વર્ષ 2019માં 25 અરજીઓ આવી હતી. જ્યારે આજ વર્ષે પહેલા નોરતા સુધી શેરી ગરબાના આયોજન માટેની 14 અરજીઓ આવી હતી.આગામી સમયમાં શેરીગરબાના આયોજન માટેની અરજીનો આંકડો વધી શકે તેમ છે.

પોલીસનો ખાસ બંદોબસ્ત
નવરાત્રીના આયોજન માટે જેટલી અરજીઓ આવી છે ત્યાં એક પોલીસ કોન્સ્ટેબલ અને બે હોમગાર્ડના જવાન તૈનાત રહેશે. જ્યારે રાત્રી દરમિયાન રાઉન્ડ ધ ક્લોક પીસીઆર વાન દ્વારા પેટ્રોલિંગ રહેશે અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા SHEની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...