દોડધામ:દરોડાની ગંધ આવતા પ્લાસ્ટિકના વેપારીએ દુકાનોના શટર પાડી દીધા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 36 છુટક વેપારીઓ ઝપટે, 26 કીલો પ્લાસ્ટિક જપ્ત
  • ઉંડીવખાર, મામાના ખાંડણીયા સહિતમાં પ્લાસ્ટિક ડ્રાઇવ ટીમ પહોંચે તે પહેલા દુકાનો બંધ, ટીમો લીલા તોરણે પરત

કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટિક ડ્રાઈવ કરી રહી છે ત્યારે આજે સવારે પણ પ્લાસ્ટિકનું જથ્થાબંધ વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડો પાડવા જતાં પૂર્વે જ વેપારીઓને તેની ગંધ આવી જતા સોલિડવેસ્ટની ટીમ લીલા તોરણે પાછી ફરી હતી. પ્લાસ્ટિક મુક્ત ભાવનગર કરવા કોર્પોરેશન દ્વારા ઘણી દોડધામ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચુક રહી જાય છે. છેલ્લા ઘણા સમયથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ટીમો બનાવી પ્લાસ્ટિક ડ્રાઇવની જુંબેશ પણ હાથ ધરી છે.

શરૂઆતમાં વોર્ડ વાઈઝ ઇન્સ્પેકટરો દ્વારા છૂટક વેપારીઓને પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ માટે દંડ ફટકારવામાં આવતો હતો. પરંતુ ત્યારબાદ પ્લાસ્ટિકનું વેચાણ કરતા જથ્થાબંધ વેપારીઓને સકંજામાં લેવા માટે જુદી-જુદી છ ટીમો બનાવવામાં આવી છે. પરંતુ આજે તેમાં કંઇક કચાશ રહી જતા પ્લાસ્ટિક ડ્રાઇવ ફોક નીવડી હતી.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની પ્લાસ્ટિક ડ્રાઇવ ટીમ દ્વારા આજે ઊંડી વખાર, આંબાચોક, મામાના ખાંડણીયા સહિતના વિસ્તારોમાં કે જ્યાં જથ્થાબંધ પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ત્યા દરોડો પાડતા પ્લાસ્ટિકનું વેચાણ કરતાં વેપારીઓની દુકાનો જ બંધ હતી. ખરેખર તો દુકાનદારોને દરોડો પાડવાની જાણ અગાઉથી થઈ જતા ટપોટપ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. જેથી બપોર પછી છૂટક વેપારીઓને ત્યાં ચેકિંગ કરી 36 વેપારીઓ પાસેથી 16 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યુ હતું. અને તેઓને 27150 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...