હાલાકી:ગૌરવ પથના ખાડા ચોમાસામાં સર્જી શકે છે જીવલેણ દુર્ઘટના

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર રાજકોટ રોડ પર વિકાસ વિનાશ વેરશે
  • ચોમાસુ હોવા છતાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર મોટા ખાડા ખોદી મૂકી દીધા, વાહન ચાલકો ખાડામાં પડવાની પુરી શક્યતા

ભાવનગર રાજકોટ રોડ પર હાલના ફ્લાયઓવર અને સિક્સલેનનું કામ ચાલુ છે. એ દરમિયાન ગઢેચી વડલા પાસે પાઈપલાઈન નાખવા માટે લાંબા સમયથી ખોદેલો ખાડો મોટી દુર્ઘટના સર્જે તેવી પૂરી શક્યતા છે. ટ્રાફિકથી ધમધમતા રોડ પર ગોકળગાયની ગતિએ કામ કરતા ખાડો ખોદેલો પડ્યો રહ્યો છે.

કોર્પોરેશનમાં આયોજનનો અભાવ હોય તેમ ચોમાસા પૂર્વે રોડ ખોદીને કરવાના કામ પૂર્ણ કરવાના રહે છે જે હજુ પણ અનેક વિસ્તારોમાં ખાડા ખોદી રહ્યા છે અને ખાડા ખોદેલા પડ્યા પણ છે. ચોમાસા દરમિયાન ખોદેલા ખાડામાં પાણી ભરાય તો વાહનચાલકો અને રાહદારીઓ પણ તેમાં પડી જઈ અકસ્માત થવાની સંભાવના રહે છે.

તેમજ વરસાદી પાણીને કારણે ભેખડ ધસવાની પણ ઘટનાઓ સર્જાય છે. હજારો વાહનોની અવરજવર રહે છે ત્યાં ગઢેચી વડલા નજીક વાઈડનીંગ કરેલા બ્રિજ પાસે લાંબા સમયથી મોટો ખાડો ખોદીને રાખ્યો છે. જેમાં પાઈપલાઈન નાંખવાનું કામ શરૂ હતું. પરંતુ ઘણા દિવસથી તે કામ પણ અટકેલું છે.

ભાવનગર શહેરના પ્રવેશદ્વાર સમા રોડ પર ખાડા છે અને વરસાદમાં અને રાત્રે પણ મોટા વાહનો સીધા જ ખાડામાં પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. જો કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કામ પૂર્ણ કરી ખાડો પુરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જાનહાનિ થવાને પણ નકારી શકાય નહીં. આ રોડ પરથી કોર્પોરેશનના પદાધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ પણ વારંવાર અવરજવર કરતા હોવા છતાં તેઓને પણ આ ખાડો દેખાતો નથી.

અન્ય સમાચારો પણ છે...