અવધિ લંબાવાઈ:ભાવનગર ટર્મિનસ સહિત 68 સ્ટેશનો પર 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' યોજનાનો સમયગાળો 8 મે સુધી લંબાવવામાં આવ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોજનાને મળેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયનો નિર્ણય
  • પ્રાયોગિક ધોરણે 15 દિવસ માટે રૂ.1000 ની નજીવી ટોકન રકમ પર જુદા જુદા વિક્રેતાઓને ફાળવવામાં આવશે

દેશભરમાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે, રેલવે બોર્ડ દ્વારા 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' યોજના હેઠળ ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન પર શરૂ કરાયેલા સ્ટોલની અવધિ લંબાવવામાં આવી છે. “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવેનો ઉપયોગ કરીને સ્થાનિક ઉત્પાદનોની સપ્લાય ચેઇનને સુધારવાનો છે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યાં અનુસાર શરૂઆતમાં ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર હૈન્ડિક્રાફ્ટનો સ્ટોલ 03 એપ્રિલ 2022 થી 15 દિવસ માટે પાઇલટ પ્રોજેક્ટ તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે. ભાવનગર ટર્મિનસ સ્ટેશનના આ સ્ટોલને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજનાને મળેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, રેલવે મંત્રાલયે ભારતીય રેલવેના ભાવનગર ટર્મિનસ સહિત 68 સ્ટેશનો પર 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' યોજનાની અવધિ 08 મે 2022 સુધી લંબાવી છે.

આ સ્ટોલ પ્રાયોગિક ધોરણે 15-15 દિવસ માટે રૂ.1000 ની નજીવી ટોકન રકમ પર જુદા જુદા વિક્રેતાઓને ફાળવવામાં આવશે. જે અંતર્ગત હસ્તકલા, સ્વ-સહાય જૂથો, કાપડ અને હાથશાળ, સ્થાનિક રમકડાં, ચામડાની બનાવટો, પરંપરાગત સાધનો, વસ્ત્રો વગેરે ઉપરાંત અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન દ્વારા વેચાણ કરી શકાશે. વ્યક્તિગત કારીગરો/શિલ્પકારો અને સ્વ-સહાય જૂથો જેવી સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવે છે. તેઓ આ યોજનામાં ભાગ લઈ શકશે.

આ યોજનાનો લાભ લેવા માટે, ઉત્પાદકો, વિકાસ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ID કાર્ડ, TRIFED નોંધણી, નોંધાયેલ સ્વૈચ્છિક સંસ્થા અથવા MSME પ્રમાણપત્ર ધારકો અરજી કરી શકે છે. આ વિષયમાં વિશેષ માહિતી માટે ડિવિઝનલ રેલવે મેનેજર વાણિજ્ય વિભાગની કચેરી, પહેલો માળ ભાવનગર પરાનો સવારે 9.30 થી સાંજે 06.00 દરમિયાન સંપર્ક કરી શકાશે. તેમ વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...