જાળવણીનો અભાવ:શામળદાસ કોલેજનું જૂનુ બિલ્ડિંગ વિલુપ્ત થવાના આરે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શામળદાસ કોલેજ આ ઇમારતમાં 1883થી 1931 સુધી કાર્યરત હતી
  • શામળદાસ કોલેજ અને બાદમાં આયુર્વેદ કોલેજ હતી તે બિલ્ડંગ નામશેષ થવાની અણીએ

25 નવેમ્બર, 1884ના દિવસે ભાવનગર ખાતે પીલ ગાર્ડન સામે શામળદાસ કોલેજ( જ્યાં બાદમાં આયુર્વેદ કોલેજ પણ કાર્યરત હતી અને હવે ઉજ્જડ છે) ના બિલ્ડિંગનો પાયો નખાયો હતો. આ મકાનને લોકાપર્ણ 7 નવેમ્બર, 1885માં કરાયું અને 2 જાન્યુઆરી, 1885માં કોલેજના સત્રનો આરંભ થયો હતો. આ મકાનમાં ઇ.સ.1893થી 1931 સુધી વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હતો.

આ જગ્યા પર બાદમાં આયુર્વેદ કોલેજ કાર્યરત કરવામાં આવી હતી અને વર્ષો સુધી આ કોલેજ રહી પણ આખરે આયુર્વેદ કોલેજને પોતાનું મકાન નિયમ મુજબ કરવાની ફરજ પડતા હવે આ શામળદાસ કોલેજનું જૂનુ અને કલાત્મક સ્થાપત્ય ધરાવતુ઼ં બિલ્ડિંગ થોડા વર્ષોથી તદ્દન વણવપરાયેલું પડ્યું છે. ભાવનગરની સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિરાસત સમાન આ ઇમારતમાં વૃક્ષો ઉગી નિકળ્યા છે ઠેર ઠેર કચરાના ઢગલા પણ જોવા મળે છે.

ગાંધીજી જે કોલેજમાં અને આ બિલ્ડિંગમાં ગાંધીજીએ 10-12-1915 તથા 09-01-1925ના દિવસે મુલાકાત લઇને વ્યાખ્યાન આપ્યા હતા તેમ શામળદાસ કોલેજના ઇતિહાસ વિભાગના પ્રો. લક્ષ્મણભાઇ વાઢેરે એક વાતચીતમાં જણાવ્યું હતુ. ગાંધીજી પણ શામળદાસ કોલેજમાં ભણ્યા હતા પણ ત્યારે આ ઇમારત ન હતી.

સુંદર ઝરૂખાઓથી શોભતી આ ઇમારતમાં પશ્ચિમ બાજુની જાળીની કોતરણી અમદાવાદની સીદી સૈયદની જાળી જેવી આકર્ષક છે. ફુલવેલી અને મોરથી સુશોભિત આ જાળી ગુજરાતના સ્થાપત્યમાં અનેરી ભાત છોડે છે. પણ હવે આ ઇમારત વપરાશમાં ન હોય દિન પ્રતિદિન જર્જરિત થતી જાય છે ત્યારે સૌ કોઈએ આ માટે કાર્યરત થવુ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...