વિકાસનાં દ્વાર ખુલશે:ભાવનગરથી ખંભાતનો નવો કોસ્ટલ હાઇવે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર બનશે, 70 થી 80 કિમી અંતર ઘટશે

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઢી કલાકનો સમય બચશે મંત્રી જીતુભાઇ વાઘાણીના પ્રયત્નોથી હાઇવેને મળી મંજુરી
  • કેબલ સ્ટેઇડ બ્રિજથી રીંગરોડ થઇ ઘોઘા - સોમનાથ નેશનલ હાઇવે સાથે પણ જોડાશે
  • વડોદરા, સુરત અને મુંબઇ વચ્ચેનું અંતર ઘટતા ભાવનગરના વિકાસના નવા દ્વાર ખુલશે

ખંભાતથી ભાવનગરના કેબલ સ્ટેઇડ બ્રિજ અને ત્યાંથી રીંગરોડ દ્વારા ઘોઘા અને સોમનાથ નેશનલ હાઇવેને જોડતા કોસ્ટલ હાઇવે બનાવવાની જાહેરાત આજે ભાવનગરના ધારાસભ્ય અને સરકારના પ્રવકતા મંત્રી જીતુભાઇ વાઘાણીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખંભાતના ધારાસભ્ય મયુરભાઇ અને મારી સતત રજુઆત બાદ મંત્રી પૂર્ણેશ મોદીએ આ કોસ્ટલ હાઇવેની મંજુરી આપી છે. જેના કારણે વડોદરા અને દક્ષિણ ગુજરાત જવા માટે 70 થી 80 કિ.મીનું અંતર ઘટશે અને વટામણ ગામમાંથી પસાર નહીં થવાનું હોવાથી અઢી કલાકનો સમય બચશે. જેનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રનો ટ્રાફિક ભાવનગર તરફ વળશે. જે ભાવનગરના વિકાસ માટે એક મહત્વનો પ્રોજેકટ બની રહેશે.

ભાવનગરથી વડોદરા-સુરત કે બોમ્બે જવા માટે હાલ ધોલેરા-વટામણ- તારાપુર થઇને જવુ પડે છે. એને બદલે કેબલ સ્ટેઇડ બ્રિજ ભાવનગરને કામાતળાવ અને ખંભાત સાથે જોડતો એક રસ્તો બનશે. આ કોસ્ટલ હાઇવે ભાવનગરના રીંગરોડથી આગળ ઘોઘા સુધી અને બુધેલથી સોમનાથ નેશનલ હાઇવેને પણ જોડશે. આ રસ્તાથી વટામણ રોડનું ટ્રાફિક ઘટતા પણ ઘણો ફાયદો થશે. ભાવનગર-અમદાવાદ ફોરટ્રેક રોડ બનાવવા માટે જીતુભાઇ વાઘાણીએ અથાગ મહેનત કરી પરિણામ લાવ્યા બાદ તાજેતરમાં ભાવનગરના રીંગરોડ માટે પણ રૂ.300 કરોડ સરકારમાં મંજુર કરાવ્યા હતા અને હવે ભાવનગરને દક્ષિણ ગુજરાત સાથે જોડતો ખંભાત-કામાતળાવ-ભાવનગરનો કોસ્ટલ હાઇવે પ્રોજેકટથી મુસાફરો અને માલપરિવહન માટે સમય અને ઇંધણ બન્નેની બચત થશે. ભાવનગર થી અમદાવાદની જેમ જ ભાવનગરથી બરોડા કે સુરત પણ અપડાઉન થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...