તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:બુધેલ ચોકડી પર ડીવાઈડરની મરામત કરવામાં તંત્રની બેદરકારી

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવા ધોરી માર્ગ પર બુધેલ ચોકડીએ રસ્તાની થયેલી અવદશાથી વાહન ચાલકો પર ખતરો ઉભો થયો છે, ખાસ કરીને ડીવાઈડર નામશેષ થયા છે જે વાહન ચાલકોને આટીએ ચડાવે છે. રાત્રીના અંધકારમાં તો આ રસ્તે પસાર થવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા જેવું છે ! આ ચાર રસ્તે લાઈટ લગાવાઈ નથી આથી રાત્રે વાહન ચાલકો માટે મુશ્કેલી બેવડી થઈ જાય છે. હાઇવે ઓથોરિટી દ્વારા આ ગંભીર મામલે ગુનાહિત બેદરકારી દાખવાઈ રહી છે. જે સામે લોકોમાં રોષ ફેલાયો છે.

બુધેલ ચાર રસ્તા પર આમ તો ડીવાઇડરના નિર્માણ કાળથી જ વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી થઇ છે. ડીવાઈડરની નવીન પ્રકારની ડિઝાઇન વાહનો માટે સરળતા કરવાના બદલે ચાલકો માટે અવઢવ પેદા કરતી હોવાના અનેક લોકોને અનુભવ થયા છે. વળી પહેલેથી જ કામ નબળું થયું હોય એમ ડીવાઈડરના બન્યાના ટૂંકા દિવસોમાં જ તૂટવા લાગેલા અને આજે સ્થિતિ એ થઈ છે કે હવે ડીવાઇડર સંપૂર્ણ જીર્ણ થઈ ગયા છે અને તેના પર મુકેલી રેડિયમ પાઈપો ક્યાંય દેખાતી નથી. પરિણામે રાત્રીના સુમારે આ ડીવાઇડર દેખાતા જ નથી અને તેની સાથે જ વાહનો અથડાઈ પડે છે. ત્યારે ક્યારેક કોઈ મોટો ગંભીર અકસ્માત થવાની પૂર્ણ સંભાવના છે.

નેશનલ હાઇવે ઓથોરીટીના બેજવાબદાર બાબુઓ દ્વારા ભાવનગર સોમનાથ ધોરી માર્ગની કાળજી લેવામાં બેદરકારી દાખવાઇ રહી છે. લોકોમાં આ અંગે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...