પ્રજા પરેશાન:થાગડ થીગડથી રોડની બેદરકારી ઢાંકી નહીં શકાય : ખાડા ફરીથી ડોકિયું મારશે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નબળી ગુણવત્તા અને આયોજનના અભાવે પ્રજા પરેશાન

ભાવનગરના રોડના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થતો હોવાના વારંવાર આક્ષેપો થતા હોય છે અને સાથોસાથ પ્રજામાં પણ ભારોભાર રોષ ફેલાયો હોય છે. જે આક્ષેપોને તંત્ર અને શાસકો ખોટા સાબિત કરવાના પ્રયાસો કરતા હોય છે. પરંતુ ચોમાસા દરમિયાન ત્રણ-ચાર વર્ષ પૂર્વે બનેલા અને ગેરેન્ટી પિરિયડ વાળા એટલે કે, ત્રણ વર્ષની અંદર બનેલા અનેક રોડ બિસ્માર થઈ ગયા છે. શહેરનો એક પણ માર્ગ એવો નહીં હોય કે જેના બે થી ત્રણ કિલોમીટરમાં ખાડા પડી ન ગયા હોય. કોર્પોરેશનના જ સર્વે મુજબ 47 રનીંગ કિલોમીટર રોડ બિસ્માર બની ગયો છે.

 પ્રજા રોષને કારણે તાત્કાલિક પેચ વર્ક દ્વારા ખાડા પુરવાનું શરૂ પણ કર્યું. પરંતુ પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે કરેલા આ થાગડ થીગડ લાંબો સમય સુધી ટકી નહીં રહે. થોડા મહિનામાં જ બિસ્માર રોડ યથાવત સ્થિતિમાં આવી જશે. કરોડો રૂપિયાનો વેડફાટ થઈ જશે.વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આવેદન અને ખાડા પુજન કરી વિરોધ કર્યાનું મન મનાવે છે. ખખડધજ રોડને કારણે પ્રજાના હાલ બેહાલ થયા છે પરંતુ પ્રજાનો અવાજ કોઈ સાંભળતું નથી. બિસ્માર રોડ માટે પ્રજા અને રાજકીય હો હા થાય એટલે તંત્ર દ્વારા રોડ રિપેરિંગની ફાળવેલી ગ્રાન્ટમાંથી થાગડ થીગડ શરૂ કરી દેવામાં આવે છે.

પરંતુ ખરેખર નિયમ અનુસાર મજબૂતાઈ સાથે પેચ વર્ક નું કામ થાય છે કે નહીં તે કોઈ જાણતું નથી. હાલમાં રોડ માં પડેલા ખાડા પૂરવા માટે જે પેચ વર્ક કામ કરવામાં આવે છે તે થોડા સમયમાં જ તૂટી જવાની પૂરી શક્યતા છે. રોડ રીપેરીંગ માટે ચાર કરોડ રૂપિયા કોર્પોરેશને જોગવાઈ કરી છે. જોકે એમાં હજુ દોઢથી પોણા બે કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. પરંતુ હાલમાં ખાડા પૂરવા માટે કરી રહેલા પેચવર્ક સહિતની કામગીરી જોતા આગામી બે ચાર મહિનામાં જ રોડ માં ખાડા પડી જશે. અને પ્રજાના કરોડો રૂપિયા વેડફાય જશે.

રોડની ગુણવત્તા ચકાસણી માત્ર કાગળ પર
ભાવનગર કોર્પોરેશન દ્વારા જે રોડ બનાવવામાં આવી રહ્યા છે તેની ગુણવત્તા તપાસ માટે પ્રથમ તો કોર્પોરેશન પાસે કોઈ સંસાધન નથી અને નિષ્ણાંતનો પણ અભાવ છે. જેથી ગુણવત્તા ચકાસણી માત્ર ઔપચારિક જ રહી છે. ખરેખર જો તટસ્થ રીતે ચકાસણી કરવામાં આવે તો નબળી ગુણવત્તા છતી થાય તેમ છે. અને આવી પરિસ્થિતિને કારણે જ કોર્પોરેશનની પોતાની લેબની સુવિધા ઉભી કરવા સ્ટેન્ડીંગ કમિટી દ્વારા પણ વિચારણામાં છે.

અન્ય સમાચારો પણ છે...